ક્લોરીનેશન વિશે સંપૂર્ણ માહિતી .

ક્લોરીનેશન વિશે સંપૂર્ણ માહિતી .


    ક્લોરીનેશન વિશે ની સંપૂર્ણ માહિતી . ક્લોરીનેશન ચેક કઈ રીતે કરવું . ? 

 💦   કલોરીનેશન શુ છે ?   💦 

●  પાણીમાં કલોરીન કે હાઈપોકલોરાઈટ ઉમેરવાની પ્રક્રિયા એટલે પાણીનું કલોરીનેશન. 

● કલોરીન જંતુનાશક તરીકેનો ગુણ ધરાવતુ હોવાથી ટેપ વોટ૨માં અમુક પ્રકા૨ના જીવાણુઓ અને સુક્ષ્મજીવો જેવા કે ( બેકટેરિયા વાઇરસ ) નો   નાશ કરવા માટે કલોરીનેશન કરવું  જરૂરી છે. 

● ટુંકમાં, કલોરીનેશન થી  કોલેરા,ટાઈફોઈડ,મરડો .ઝાડા ઉલ્ટી .કમળો . ચામડી ના રોગો .જેવા પાણીજન્ય રોગો ને અટકાવવા માટે જરૂરી છે.

● કલોરીનેશનની મુળભુત અગત્યતા પાણીને જંતુમુકત ક૨વાની છે. 

● પાણી જન્ય રોગો ને અટકાવવા માટે પાણી નું ક્લોરીનેશન કરવું ખૂબ જ આવશ્યક છે . 

કલોરીનેશન સંયોજનો ખુબ બહોળા પ્રમાણમાં વપરાય છે. કારણ કે – તે પ્રમાણમાં સસ્તા છે. અને ખૂબ ઉપયોગી છે .

સહેલાઈથી મળી રહે છે . 

ઘન, વાયુ અને પ્રવાહી સ્વરૂપે મળે છે. અને  સહેલાઈથી પાણી માં  ઓગળે છે.

વાપરવામાં સરળ  છે.

રેસિડયુઅલ કલોરીન મળે છે.

રેસિડયુઅલ કલોરીન માપી શકાય છે.

પાણીમાં ઓગળતાં અવળી અસર ફેલાવાતા નથી.

(જેમ કે કોપ૨સલ્ફેટનો વધારે ડોઝ ઝેરી બને છે.)

બેકટેરિયા . વાયરસ સહિત મોટાભાગના વાંધાજનક જીવાણુંઓ સામે અસરકારક છે. (વાયરસ માટે કલોરીન ડોઝ વધારે આપવો પડે છે. લગભગ ૧ પી.પી.એમ.)

જો લોકો ને સારી રીતે સમજાવવા માં આવે તો વપરાશ માટે મોટે ભાગે માણસો દ્વારા સ્વીકારાય છે . 




ક્લોરીનેશન વિશે  જાણો . 



■ રોગનાં જીવાણુંઓને દૂર કરવા ઉપરાંત કલોરીનેશનના બીજા પણ ઘણા (વધારાના) ફાયદા છે. જેમ કે –

■ પાણીમાં વાસ પેદા કરનાર હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા રસાયણોને દૂર કરે છે.

■ કાર્બનિક અને અકાર્બનિક અશુધ્ધિઓ (પ્રદુષણ) ને ઓકિસડેશન કરી દૂર કરે છે.

■ શેવાળ અને ફુગ સહિત પાણીમાં પેદા થતી બીજી વાંધાજનક જીવાણું નો પણ  નાશ કરે છે.

■ વહન નલિકાઓમાં પેદા થતાં આયર્ન બેકટેરીયા (જે ચીકણા તાંતણા જેવા હોય છે.) અને બીજા સુક્ષ્મ જીવાણુંઓનો નાશ કરે છે.

■ રંગનાશક હોવાથી પાણીમાં રંગ હોય તો દૂર કરે છે.




કલોરીનેશન વિશે આટલું જાણવું જરૂરી છે.

◆ પાણીમાં કલોરીન નાખતાં પ્રથમ તે પાણીમાં રહેલી અશુધ્ધિઓ (પ્રદુષણ, જો હોય તો) સાથે પ્રક્રિયા કરે છે. જેમ કે, ફેરસ ( આયર્ન ), નાઈટ્રાઈટ, હાઈડ્રોજન સલ્ફાઈડ, એમોનિયા અને ઓર્ગેનિક પદાર્થો. આ બધાના ઓકિસડેશનમાં થોડો કલોરીન વપરાય છે. જેને બ્રેક પોઈન્ટ કલોરીનેશન કહેવાય છે.

◆ ત્યારબાદ બેકટેરીયાના નાશ માટે કલોરીન વપરાય છે. આ બંને પ્રક્રિયા માટે કુલ જરુરી કલોરીનને કલોરીન ડીમાન્ડ કહે છે.

◆ તે ઉપરાંત પાછળથી વહન નલિકાઓ, કે સંગ્રહ ટાંકામાં પાછળથી પ્રદુષણ પેદા થતું અટકાવવા થોડો શેષ કલોરીન રાખવો પડે છે. જેને રેસીડયઅલ કલોરીન કહે છે. આ બંનેના સરવાળા જેટલા કલોરીનની જરૂરીયાતને કલોરીન ડોઝ કહેવાય છે.

આમ કુલ કલોરીન ડોઝ = (કલોરીન ડીમાન્ડ ડોઝ) વત્તા (રેસીડયુઅલ કલોરીન ડોઝ)

◆ કલોરીન ગેસ હવાના સામાન્ય દબાણે પાણીમાં ઓવો દ્રાવ્ય છે. તેથી તેને ક્લોરીનેટર ધ્વારા દબાણ હેઠળ પાણીમાં ઓગાળવો જોઈએ. સીલીન્ડરને નળી ઘ્વારા સીધે સીધો સંગ્રહ ટાંકીમાં છોડવાથી ક્લોરીન પરપોટા થઈ હવામાં ઉડી જાય છે અને નકામો વેડફાઈ જાય છે.

◆ કલોરીન ગેસની દ્રવ્યતા તાપમાન ઉપર આધાર રાખે છે. ઉંચા તાપમાને ઓછો ક્લોરીન પાણીમાં ઓગળે છે. જયારે નીચા તાપમાને વધુ કલોરીન પાણીમાં ઓગળે છે. તેથી કલોરીન ગેસથી જો કલોરીનેશન કરવાનું હોય  તો બપોરે ન  કરતાં વહેલી  સવારે કે રાત્રે કરવું જોઈએ. 

ક્લોરીનેશન ઉપર અસર કરતા પરિબળો . 





પીવા ના પાણી માં ક્લોરીનેશન નું માપ. 


સ્ટોક સોલ્યુશન બનાવવાની રીત..... 




નીચે દર્શાવેલ ઘટકો એક લીટર પાણીમાં નીચે દર્શાવ્યા મુજબ ઉમેરો :–

 ◆ કેલ્શિયમ હાઈપો કલોરાઈટ(૭૦%) હોય તો ૧૫ ગ્રામ

અથવા

◆ બ્લીચીંગ પાવડર કે કલોરીનેટેડ લાઈમ (૩૦%) હોય તો ૩૩ ગ્રામ

અથવા 

◆ સોડિયમ હાઈપોકલોરાઈટ દ્રાવણ (૫ % ) હોય તો ૨૫૦ મિ.લી
◆ સોડિયમ હાઈપોકલોરાઈટ દ્રાવણ (૧૦%) હોય તો ૧૧૦ મિ.લી

 બનાવેલ સ્ટોક સોલ્યુશન હવા ચુસ્ત કન્ટેનર માં, ઠંડી જગ્યામાં રાખવું અને તેનો ઉપયોગ એક માસ દરમિયાન કરવો.



પાણીના જથ્થા મુજબ સ્ટોક સોલ્યુશન વાપરવાની રીત.

● ૧ લીટર પાણી હોય તો ૦.૬ મિ.લી. અથવા ૩ ટીપાં.

● ૧૦ લીટર પાણી હોય તો ૬ મિ.લી.

●  ૧૦૦ લિટર પાણી હોય તો ૬૦ મિ.લી.

સ્ટોક સોલ્યુશન નાંખ્યા બાદ પાણીને ૩૦ મીનીટ સુધી
રહેવા દો.

રેસીડયઅલ કલોરીનનું પ્રમાણ ૦.૨ થી ૦.૫ મિ.ગ્રા. / લીટર થવું જોઈએ. 

 રોગચાળાની પરિસ્થિતિ અને ચોમાસા ઋતુ દરમ્યાન પાણીનાં સ્ત્રોતમાં ૨ પી.પી.એમ. રેસીડયુઅલ કલોરીન (સુપ૨ કલોરીનેશન) રાખવા ઉપરોકત પાવડરપ્રવાહી ના જથ્થાને ડબલ કરી નાંખવો.

 સામાન્ય સંજોગોમાં છેવાડાના ઘરમાં ૦.૨ પી.પી.એમ. અને રોગચાળાની પરિસ્થિતિમાં ૦.૫ પી.પી.એમ. મળવુ જોઈએ.

ઘર માં પીવા ના પાણી નું ક્લોરીનેશન . 

● 20 લીટર પીવા ના પાણી ભરેલા વાસણ માં   માં એક ક્લોરીન ની  ટેબ્લેટ વાટી ને નાખો . 

● ટેબ્લેટ નાખ્યા પછી 30 મિનિટ વાસણ ને ટાંકી ને રહેવા દો . 

● ક્લોરીન નાખેલ પાણી 24 કલાક માં વાપરી નાખો . 

● પાણી નો સંગ્રહ કરવા સાંકડા મો વાળું વાસણ વાપરો . 

● ક્લોરીન ટેબ્લેટ ના હોય તો પાણી ને ઉકાળી ને પીવા ની ટેવ પાડો . 



ક્લોરીનેશન કરવા બાબત ની જરૂરી સુચનો . 

■ વિશ્વ આરોગ્ય સંસ્થા ની ભલામણ મુજબ ૦.૫ પી.પી.એમ. જેટલો કલોરીન ડોઝ ૩૦ મીનીટના સંપર્ક સમય માટે આપવો જોઈએ. આ માટે પાણીની પી.એચ. લગભગ ૭ થી ૮ હોવી જોઈએ અને ટર્બીડીટી પ–યુનિટથી વધુ ન હોવી જોઈએ.

■ જો બ્રાન્ચ લાઈનના કોઈ એક ભાગમાં રેસિડયુઅલ કલોરીનની ગેરહાજરી માલુમ પડે તો આખી યોજનામાં સુપર કરવાને બદલે જે તે બ્રાન્ચ લાઈનનું રીપેરીંગ હાથ ધરવું જોઈએ. કલોરીનેશન

■ સ્ટેન્ડ પોસ્ટ કે વપરાશ કર્તાના ઘરના નળમાંથી પ્રાપ્ત થતા પાણીમાં (કન્ઝયુમર્સ એન્ડ) રેસીડયુઅલ કલોરીનનું પ્રમાણ ૦.૨ પી.પી.એમ. જળવાવું જોઈએ.

■ આ રેસીડયુઅલ કલોરીન માપવા માટે કલોરોસ્કોપ નામનું સાધન વપરાય છે. જે ખુબ સરળ હોય છે. અને સામાન્ય (ઓછું ભણેલો) માણસ પણ તાલીમ આપવાથી કરી શકે છે.

■ જો કુવા બોરમાંથી પંપ કરીને સીધું જ પાણી વિતરણ કરાતું હોય એટલે કે ઓવરહેડ ટાંકી કે સમ્પલમાં જતું ન હોય તેવા પાણીને કલોરીનેશન કરવા માટે ક્લોરીન ઈન્જેકશન પંપનો ઉપયોગ થઈ શકે છે.

■ આવા કિસ્સામાં કલોરીનનું દ્રાવણ એક પંપ નાના વડે પાઈપલાઈનમાં સીધું ઈન્જેકશન મારફત દાખલ કરી શકાય છે. આ પધ્ધતિ આજે વધુ વપરાતી જોવા મળે છે. જેમાં ડોઝ નકકી કરવાની સગવડ પણ આપવામાં આવે છે.

■ જેથી જરૂર જેટલું જ કલોરીન, પાઈપમાંના પાણીમાં જાય છે. જે વિસ્તારમાં રોગચાળો કે પ્રદુષણ ની ફરિયાદ હોય તે વિસ્તાર પુરતું પણ વધારાના કલોરીનેશન (રી–કલોરીનેશન) કરવા પણ આ સાધન વાપરી શકાય છે.

■ હેન્ડપંપનું પાણી ભુગર્ભમાંથી આવે છે. તેથી સામાન્ય રીતે તે જીવાણું મુકત હોવું જોઈએ.

■ જો તેના થાળા કે આજુબાજુમાં ગંદકી ના થતી હોય તો, આવા હેન્ડપંપના પાણીને કલોરીનેશન કરવાની જરુર નથી. છતાં જો તેની ગુણવત્તા શંકાશીલ જણાય કે તેવું પાણી પીવાથી કોઈ રોગચાળો થયાનું માલુમ પડે તો તે પાણી ને ત્રણ રીતે કલોરીનેશન કરી શકાય.

(૧.) હેન્ડપંપનું જમીનની ઉપરનું સુપર સ્ટ્રકચર ખોલી, તેની પાઈપમાં કલોરીનનું દૃાવણ રેડવામાં આવે છે. જેને આખી રાત પ્રક્રિયા થવા દઈ બીજા દિવસથી વાપરી શકાય છે.

(૨.) હેન્ડપંપથી બહાર કાઢેલા પાણીને વપરાશ માટે વાસણમાં ન લેતાં, નજીકમાં જ જમીન તળના જાહેર સંગ્રહ ટાંકામાં લઈ, તેમાં કલોરીનેશન કરી વાપરી શકાય. આ માટે જેટલું પાણી પંપ વડે ટાંકામાં દાખલ થાય તેટલા પ્રમાણમાં કલોરીન પ્રક્રિયા થયેલું પાણી બીજા છેડે થી બહાર નીકળે (ઓવર ફ્લો થઈને) જે પાઈપનળ વડે વાસણમાં લઈ શકાય.

(૩.) હેન્ડપંપમાંથી ઘેર લાવેલા પાણીમાંથી પીવા પુરતા પાણીને કલોરીનની ટેબલેટ નાખી જીવાણું મુકત કરી શકાય.

■ જો ઘરમાં કોઈ વ્યકિતને પાણીજન્ય રોગ થયો હોય, રોગચાળાની કે ચોમાસાની ગંદકીની પરિસ્થિતિ હોય અથવા વધારાની સાવચેતી તરીકે ઘરમાં ભરેલા પાણીને કલોરીનેશન કરવાની જરૂર હોય તો તેવા સમયે કલોરીનની ટીકડી વાપરવી સલાહ ભરેલું છે.

■ કલોરીનની ટીકડીઓ મેડીકલ સ્ટોરમાં મળતી હોય છે. રોગચાળાની પરિસ્થિતિ વખતે સરકાર (નગરપાલિકા-પંચાયત–આરોગ્ય વિભાગ) આવી કલોરીનની ગોળીઓ વિનામુલ્યે પુરી પાડતાં હોય છે.

■ એક ગોળી કેટલા લીટર પાણીમાં વાપરવી તેની સુચના ગોળી ભરેલા બોક્ષ કે શીશી ઉપર લખેલી હોય છે.

■  કલોરીનની વાસ ના ગમતી હોય તો રાત્રે ગોળી પાણી ભરેલા માટલા કે વાસણમાં નાખી, હલાવી. આખી રાત ઠરવા દઈ બીજે દિવસે આવું પાણી વાપરવાથી વાસ નહીં આવે.

■  વિકલ્પ તરીકે પાણીને ઉકાળીને, સુર્યના તડકામાં ચાર કલાક રહેવા દઈને (સોડીસ પધ્ધતિ) પણ જંતુ મુકત કરી શકાય છે.


કુવાનું કલોરીનેશન..... 


કુવાને જંતુમુકત કરવાની સૌથી અસરકારક રીત બ્લીચીંગ પાઉડર છે.

એક સુકા દોરડા સાથે બાંધેલ પથ્થર વડે કુવામાં પાણીની ઉડાઈ માપો,દોરડું જેટલું ભીનું થાય એની લંબાઈ કુવાની ઉડાઈ બતાવશે.કુવાનો વ્યાસ મીટરમાં માપો,કુવાના પાણીનું માપ નીચેના સુત્રથી મેળવો.

કલોરીનેશન માટેનું સુત્ર

ગોળ કુવા માટે

વ્યાસ X વ્યાસ X પાણીની ઉંડાઈ x ૭૮૫ = .લીટ૨ પાણીમાં

ચોરસ કુવા માટે

– લંબાઈ x પહોળાઈ x પાણીની ઉંડાઈ X ૧૦૦૦ = પાણીમાં લીટ૨

નોંધ....

માપ લીટ૨માં લેવું . 

પાણી લીટરમાં =
  ૩.૧૪X૭ કુવાનોવ્યાસ ૨ Xપાણીની ઉંડાઈX૧૦૦૦
                                   ૪

કુવામાં કલોરીનેશન કરવા ની રીત.....


માપ પ્રમાણેનો ટી.સી.એલ. પાવડર એક ડોલમાં નાંખવો

ત્યારબાદ તેમાં પાણી ઉમેરવુ અને બરાબર હલાવવુ

પાવડ૨ ઓગળી જાય એટલે ૧૦ મિનિટ પાણી ઠરવા દેવુ

ત્યારબાદ બીજી ડોલમાં એક પાતળુ કાપડ બાંધવુ અને ટી.સી.એલ. વાળુ પાણી ઉપરથી લઈને ગાળવુ .

ત્યારબાદ તે પાણી કુવાની અંદર ચારે બાજુ નાંખવુ અને ડોલથી ચારે બાજુ ને ઉલેચવુ. પાણી

એક કલાક બાદ પાણી પાણીનો ઉપયોગ કરવો.

ડોલના નીચેનો ચુનો કુવાની બહારની સાઈડમાં જ નાંખવો જેથી કલોરીનેશન કરેલ છે તે ખબર પડે.

કલોરીનેશન થઈ ગયા બાદ કલોરોસ્કોપથી માપી લેવુ અને કુવા પર તારીખ લખવી.


૧૦૦૦ લીટ૨પાણી માટે આશરે ૨.૫ ગ્રામ બ્લીંચીંગ પાવડરની જરૂર પડે

છે.દીવાસળીની પેટીના એક ખોખામાં ૧૦ થી ૧૨ ગ્રામ બ્લીચીંગ પાવડર સમાય છે. પ્રથમ બ્લીચીંગ પાવડરના જરૂરી જથ્થો અંગે ગણતરી કરી પાવડર કન્ટેનરમાં લો. કન્ટેનરમાં થોડું પાણી ઉમેરી પાવડરની પેસ્ટ બનાવો.

ત્યારબાદ થોડું વધુ પાણી ઉમેરી તેનું સમરસ દાવણ બનાવો ત્યારબાદ તેને ઠરવા દઈ ઉપરનું નિતર્યુ પાણી કલોરીનેશન માટે બીજા પાત્રમાં લઈ લો અને નીચેના ચુનાને ગંદગીવાળી જગ્યાએ ફેંકી દો.

નિતર્યા પાણીની ડોલને કુવામાં બોળીને ખુબ હલાવો ઉપર નીચે અને આજુબાજુ હલાવો જેથી કલોરીન વોટર કુવાના પાણી સાથે ભળી જાય. ૧/૨ કલાક પછી કલોરોસ્કોપની મદદથી પાણીમાંના રેસીડયુઅલ કલોરીન ની તપાસ કરો.


ક્લોરીનેશન ટેસ્ટ કરવા ની રીત .

1. સૌ પ્રથમ કલોરોસ્કોપનું ઉપરનું ઢાંકણ  ખોલો.

2. ત્યારબાદ અંદર રહેલી બે કસનળીઓ (ટેસ્ટટયુબ) માંથી ડાબી બાજુની નળીમાં ચકાસણી માટેનું પાણી ભરી રંગીન આંકાવાળી પેટીની પાછળના ખાનામાં મુળ જગ્યાએ ડાબા ખાનામાં પરત મુકો.

3. જમણી તરફથી નળીમાં ચકાસણી માટેનું પાણી લઈ તેમાં બે થી ત્રણ ટીંપા ઓર્થોટોલ્યુડીન દૃાવણ (ઓ.ટી.) નાખો. ( 5 ml ની નળી હોય તો બે ટીપાં . અને 10 ml ની નળી હોય તો 4 ટીપાં ( ઓ. ટી ) નાખો . 

4.  ઓ.ટી. નાખ્યા બાદ નળીને હાથના અંગુઠા વડે બંધ કરી બરાબર હલાવો (ઉધી—ચત્તી કરો) જેથી ઓ.ટી. આખ્ખી નળીમાં પ્રસરે અને સમગ્ર પાણી સાથે પ્રક્રિયા કરે.

5. બરાબર હલાવ્યા બાદ આ નળીને પાછી મૂળ જગ્યાએ જમણી તરફ મુકો. તે પછી ઉપરનું ઢાંકણ બંધ કરો.

6. સાધનનો આગળનો ભાગ આંખો સામે રહે અને પાછળ નો દુધિયો કાચ સુર્ય કે પ્રકાશ તરફ રહે તેમ પકડો.

7. હવે સાધનમાં આપેલ રંગીન ડીસના ગોળ ખાનામાંથી ડાબી તરફના કયા ખાના સાથે જમણી તરફના ખાનાનો રંગ મળે છે (મેચ થાય છે) તે નોંધો.

8. જે બે ખાના મેચ થતા હોય તેની વચ્ચે લખેલો આંક વાંચો. આ આંક એ પાણીમાં રહેલા રેસીડયુઅલ કલોરીનનું પી.પી.એમ. (મિ.ગ્રા. / લીટર) માં પ્રમાણ દર્શાવે છે.


ક્લોરીનેશન ટેસ્ટ વિશે આટલું જાણો . 

◆ ઓર્થોટોલ્યુડીન દ્રાવણ (ઓ.ટી.) વપરાઈ જાય તો બજારમાંથી ખરીદ કરી શકાય છે. આવું ઓ.ટી. ૨૫૦, ૫૦૦ કે ૧૦૦૦ મી.લી. ની બોટલમાં મળે છે.

 ◆ જે લાવી તેમાંથી નાની પ્લાસ્ટિકની ડ્રોપર બોટલમાં ૧૦૦ મી.લી. જેટલું ઓ.ટી. વપરાશ માટે કલોરોસ્કોપ સાથે રાખવું.

◆ પીવાના પાણીમાં ૦.૨ થી ૦.૫ પી.પી.એમ. જેટલો રેસીડયુઅલ કલોરીન હોવો જોઈએ. જયારે રોગચાળાની પરિસ્થિતિમાં ૧.૦ પી.પી.એમ. સુધી રાખી શકાય. જો પાણીમાં કલોરીન હશે તો પીળો રંગ પેદા થશે જે માપવાનો છે.

◆જો કોઈ રંગ પેદા ના થાય તો પાણીમાં રેસીડયુઅલ કલોરીન નથી તેમ માનવાનું થાય.

◆ કલોરીન માપી લીધા પછી કસનળીઓમાંનું પાણી ફેંકી દો અને બંને કસનળીઓને ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરી મુળ જગ્યાઓ મુકો અને કલોરોસ્કોપનું ઉપરનું ઢાંકણ બંધ કરો જેથી તેમાં ધુળ – કચરો પડે નહીં.

◆ કસનળીઓ સ્વચ્છ અને પારદર્શક હોવી જરૂરી છે જેથી રંગ પરીક્ષણ બરાબર વાંચી શકાય.

◆ કલોરોસ્કોપને પ્લાસ્ટિક કે જાડા પુંઠાના કવરમાં સાચવીને રાખો.

◆ આ સાધન નાજુક છે તેથી હેરફેરમાં તેને ઈજા થાય કે તુટી ના જાય તેની કાળજી લેવી. 

◆ સાધન વપરાશમાં ના હોય ત્યારે તેનું ઉપરનું ઢાંકણ બંધ રાખો જેથી તેમાં કચરો ભરાય નહી.

◆કાચની કશનળીઓ (ટેસ્ટ ટયુબ) તુટે નહીં તેની કાળજી લેવી.

◆  કશનળીઓ (ટેસ્ટ ટયુબ) ને વપરાશ પહેલાં જે પાણીનું કલોરીન માપવાનું હોય તેનાથી સાફ કરવી.

◆ બંને કસનળીઓ ચકાસવાના પાણીથી પુરેપુરી ભરવાની છે. છલકાય નહીં તેટલી.

◆ઓર્થોટોલ્યુડીન દ્રાવણ ( ઓ.ટી. ) ઉમેરવાની જગ્યા રાખવી.

◆ ઓર્થોટોલ્યુડીનનું દ્રાવણ (ઓ.ટી.) ટીપાં પડે તેવી પ્લાસ્ટિકની નાની બાટલીમાં રાખવું. પ્રક્રિયા માટે બે ટીપાં પુરતાં છે. વધુ બગાડવાની જરૂર નથી.

◆ આ દાવણ ઝેરી હોય છે તેથી મોઢામાં ના જાય તેની કાળજી લેવી.

◆ જો રેસીડયુઅલ કલોરીન વધુ હોય અને સાધન ઉપર બતાવેલ રેંજમાં ન મપાતું હોય તો તેનું ડાયલ્યુશન (ડીસ્ટીલ વોટર વડે) કરી પછી રેન્જમાં આવે તેમ માપ લેવું. જો અડધું ડાયલ્યુશન કર્યુ હોય તો આવેલ રીડીંગને ડબલ કરો.

◆ ચોથા ભાગનું સેમ્પલ અને ત્રણ ભાગ ડાયલ્યુશન હોય તો રીડીંગ ચાર ઘણું કરો અને ૧ ભાગ સેમ્પલ અને નવ ભાગ ડાયલ્યુશન કર્યુ હોય તો રીડીંગને દશ ઘણું કરો જે રેસીડયુઅલ કલોરીનનું રીડીંગ બને છે.

◆ ડાબી તરફની ટેસ્ટ ટયુબમાં ઓ.ટી. દ્રાવણ નાખવા નું નથી તે ભુલાય નહીં. ફકત જમણી તરફની ટેસ્ટટયુબમાં જ બે ટીપાં ઓ.ટી. નાખવાનું છે.


















Post a Comment

વધુ નવું વધુ જૂનું