તમામ આરોગ્ય લક્ષી તમામ
ભીત સૂત્રો .
૭ / ૧૧ નીતી આયોગ ઇન્ડિકેટર્સના સંદેશાઓ
1. માતા મૃત્યું દર ને લગતા સૂત્રો
2. શિશુ મૃત્યું દર ને લગતા સૂત્રો
3. રસીકરણ ને લગતા સૂત્રો
4. પોષણ ને લગતા સૂત્રો
5. સગર્ભાવસ્થા ને લગતા સૂત્રો
6.ઓછું વજન ધરાવતા નવજાત શિશુ ને લગતા સૂત્રો
7. રોગચાળો ને લગતા સૂત્રો
8. કુટુંબ કલ્યાણ ને લગતા સૂત્રો
9. પી.એન.ડી. ટી.ને લગતા સૂત્રો
10.વાહકજન્ય રોગો ને લગતા સૂત્રો
11. સ્વચ્છતા અને અન્ય આરોગ્ય ના સૂત્રો
12.વ્યસન મુક્તિ ના સૂત્રો
13. પર્યાવરણ ના સૂત્રો
14. આરોગ્ય વર્ધક સૂત્રો
(૧) માતા મૃત્યુ દર ને લગતા સૂત્રો.....
1. ગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૪ વાર નિયમિત તબીબી તપાસ કરાવો.
2. સગર્ભાવસ્થા દરમ્યાન એકસ-રે જેવા રેડીએશનનો સંપર્ક ટાળો
૩. સગર્ભાવસ્થા દરમ્યાન ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન સર્વદા વિહિત છે.
4. સગર્ભા મહિલાઓએ ફોલિક એસીડથી ભરપૂર લીલા પાંદડાવાળા શાકભાજી, કલેજી અને કઠોળ લેવા ફાયદાકારક છે.
5. ગર્ભાવસ્થાની જાણ થતા જ માતાની નોંધણી નજીકના આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી અને પ્રસૂતિગૃહમાં કરાવો તથા આશા બહેનોના સંપર્ક માં રહો.
6. ફિમેલ હેલ્થ વર્કર અથવા ડૉકટર દ્વારા આપેલ દવાઓ સિવાય અન્ય બિન જરૂરી દવાઓલેવાનું ટાળો.
7. પ્રસૂતિ હંમેશા પ્રસૂતિ ગૃહમાં જ ડોકટર ની દેખરેખ હેઠળ થાય તેની ખાસ તકેદારી રાખો.
8. ગર્ભાવસ્થા દરમ્યાન ડૉકટર દ્વારા સૂચવવામાં આવેલ ધનુરની બે રસી તેમજ અન્ય ગંભીર રોગો જેવાં કે હિપેટાઇટીસ, રુબેલા વગેરેની રસી અચૂક મૂકાવો.
9. ગર્ભાવસ્થા દરમ્યાન લોહીનું પ્રમાણ ઓછુ જણાય તો અચૂક પણે લોહી વધવાની ગોળીઓ ડૉકટરની સલાહ મુજબ લો.
10. ગર્ભાવસ્થા દરમ્યાન કરવામાં આવતી HIV, હિપોટાઇટીસ જેવા રોગોની તપાસ માટે ડૉકટરને સહકાર આપો.
11. જોખમી પ્રસૂતિ ધરાવતી સગર્ભા મહિલાઓની ખાસ તકેદારી રાખવાની જવાબદારી તેના કુટુંબીજનોની બને છે તે જવાબદારી અચૂક નિભાવો.
12. વારંવાર સુવાવડ આવે, માતાને અકાળે વૃધ્ધ બનાવે.
13. ૨૨ વર્ષની વય પછી જ ખોળો ખૂંદે પહેલુ બાળ, કાચી વયે જન્મે તો જોખમભરી જંજાળ.
14. બે સુવાવડ વચ્ચે ટૂંકો ગાળો, માતા અને બાળક બન્ને માટે જોખમી છે.
15. પ્રસૂતિની સલામત માતૃત્વ માટે યોગ્ય દવાખાને લઇ જવા.
16. મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવું જોખમ કયારેય ન વહોરવું સુવાવડ બાદ બે રાત હોસ્પિટલમાં જરૂર વીતાવજો.
17. પ્રસૂતિ પહેલાં ચાર તપાસ કરાવવી છે જરૂરી મા-બાળક તંદુરસ્થતી તો સુખની ઇચ્છા થશે પુરી
18. કસ્તુરબા પોષણ સહાય યોજના આવી માતા અને બાળકનું સુસમય જીવન લાવી.
19, દવાખાનમાં પ્રસૂતિ થાય તે છે જરૂરી બાળકને અપાવો રસી, તો ખુશી પૂરેપૂરી .
20 . દવાખાના માં કરાવીએ સુવાવડ તો રહે શિશુ અને જનની સલામત .
21. સગર્ભા ટાણે પોષક આહાર માતા બાળ સદા બહાર .
(૨) શિશુ મૃત્યુ દર ને લગતા સૂત્રો .....
1. નજીકના સગા સબંધીઓ વચ્ચેના લગ્ન જોડાણ કે જેમાં ખાસ કરીને જન્મજાત ખામીઓ જોવા મળતી હોય તેવા કુટુંબોમાં આવા લગ્ન જોડાણ ટાળો.
2. ગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ૪ વાર તબીબી તપાસ કરાવો.
૩. ગર્ભાવસ્થા દરમ્યાન ૫ મા મહિને થતી જન્મજાત ખામીની તપાસ માટેની સોનોગ્રાફી અચુક કરાવો.
4. એ.એન.એમ. કે ડૉકટરે આપેલ દવાઓ સિવાય બિનજરૂરી અન્ય દવાઓ લેવાનું ટાળો.
5. પ્રસૂતિ ફકત ડૉકટરની દેખરેખ હેઠળ પ્રસૃતિગૃહ માં જ થાય તેનું ખાસ ધ્યાન રાખો.
6. સોનોગ્રાફી તપાસ દરમ્યાન ગર્ભસ્થ શિશુ માં કોઇ ખામી હોવાનું જણાઇ આવે તો ચિંતા કર્યા સિવાય ડૉકટરી સલાહોનું યોગ્ય પાલન કરો અને ડિલીવરી પ્રસૃતિગૃહમાં જ કરાવો કે જેથી બાળકો જન્મ થતાની સાથે જ તેને યોગ્ય સારવાર મળી રહે.
7. જન્મજાત ખામીઓ પૈકી જન્મજાત હદય રોગ અને ન્યુરલ ટ્યુબ ખામીવાળા બાળકો જન્મબાદ તાત્કાલિક બાળ રોગ નિષ્ણાંત ડૉકટર દ્વારા સારવાર કરાવો.
8. પ્રસૂતિ કાળ પછી ઓછામાં ઓછા ૧% માસ સુધી માતા અને નવજાત શિશુને કોઇપણ જાતનો ચેપ ન લાગે તેની ખાસ તકેદારી રાખો.
9. નવજાત શિશુને ૬ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપો.
10. ઝાડા ઉલ્ટી કે ન્યુમોનિયા થાય તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક સાધો અને ધાવણ જરૂર મુજબ સતત ચાલુ રાખો.
11. ગર્ભાવસ્થા દરમિયાન માતાને અને જન્મબાદ નવજાત શિશુ ને આપવામાં આવતી જીવલેણ રોગો થી બચાવની રસીઓ અચૂક મૂકાવો.
12. તંદુરસ્ત માતાજ તંદુરસ્ત બાળકનો જન્મ આપી શકે છે.
13. નવજાત શિશુને, છ માસ સુધી ફકત આપો ધાવણ પછી આપો પુરક આહાર
14. બાળકના તંદુરસ્ત અને ઉજજવલ ભવિષ્ય માટે બાળકને પ્રથમ છ મહિના સુધી માત્રમાતાનું ધાવણ જ આપો.
15. માનું ધાવણ પહેલી ધાર બાલ માટે અમૃત જળ
16. બાળકના પહેલા છ માસ, માત્ર ધાવણની એને પ્યાસ, બીજું કૈ જ ન લે, ધાવણ જ જયાં અમૃત છે.
17. બાળક ના વિકાસ નો સાચો આધાર માનો પ્રેમ અને પોષક આહાર.
18. જે માઁ આપે બાળક ને પૂરક આહાર . તેનું બાળક રહે સદા બહાર.
(૩) રસીકરણ ને લગતા સૂત્રો ....
1. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને શિશુને ગંભીર ચેપથી બચાવવા માટે જરૂરી ધનુર, હિપેટાઇટીસ જેવી રસીઓ અચુક મુકાવો.
2. બાળકના જન્મ સમયે તેમજ શરૂઆતના ૧ વર્ષમાં બાળકને આપવામાં આવતી પોલીયો ત્રિગુણી, ઓરી, હિપેટાઇટીસ થી બચવાની રસીઓ અપાવાનું ન ચુકો.
૩. ગર્ભાવસ્થા દરમ્યાન અને બાળકના જન્મ બાદ તેની નોંધણી આંગણવાડી કેન્દ્રમાં કરાવો.
4. આંગણવાડી કેન્દ્રમાં થતાં મમતા દિવસ ની કામગીરીને પુરતો સહકાર આપો.
5. આપને આપવામાં આવેલ મમતા કાર્ડ ને એક અત્યંત અમુલ્ય દસ્તાવેજની જેમ સાચવો કારણકે તેમાં માતા અને બાળકને આપવામાં આવતી રસીઓની નોંધણી હોય છે,
6. બાળકને એક રસી આપ્યા બાદ બીજી રસીની તારીખ અને દિવસ મમતા કાર્ડમાં નોંધવામાં આવે છે તે અનુસાર નિયમિત રીતેબાળકનું રસીકરણ કરાવવું.
7. રસી આપ્યા બાદ બાળકને સામાન્ય તાવ આવી શકે છે પરંતુ તેનાથી ગભરાવવાની જરૂર નથી ૨૪- ૪૮ કલાકમાં બાળક સામાન્ય થઇ જાય છે.
8. રસી આપેલી જગ્યાએ વધુ સોજો આવે કે તે ભાગ પાકે તો તાત્કાલિક ડોકટરની સલાહ લો.
9. રસી આપ્યા બાદ પણ બાળકને માતાનું ધાવણ આપવાનું ચાલુ રાખો .
10. સોય દ્વારા આપવામાં આવતી રસી પાકે નહી તે માટે બાળકને નવડાવતી વખતે તે જગ્યાએ પાણી ન અડે તેનું ધ્યાન રાખો,
11. છ ઘાતક રોગોથી બચવા બાળકના જન્મબાદ તરત રસીઓ મુકાવો.
12. સગર્ભા માતાને ઘનુરવિરોધી રસી મુકાવો, માતા- બાળકને ધનુરથી બચાવો,
13. સમયસર રસી મુકાવો, બાળકોને સુરક્ષિત બનાવો,
14. દીકરી મારી લાડકી એને હૈયાના હેતે ઝૂલાવું, દીકરાને પણ પ્રેમના પારણીએ પોઢાડું, રોગ પ્રતિકારક રસીઓ અપાવી, રોગોથી મારું બાળ બચાવું,
15. સલામત પ્રસુતિ અને બાળ સુરક્ષા માટે સુવાવડ દરમિયાનની તબીબી તપાસ અને ધનુર વિરોધી રસી મુકાવવાથી માતાનું સ્વાસ્થ્ય રક્ષાય છે.
16. "વહાલા બાળને બાળલકવા વિરોધી રસી અપાવી સહુને કહી દીધું કે લકવાની કોઇ બીક નથી, ભાઇ’”
17. પાણી પહેલા બાંધિએ પાળ, રસીઓ મુકાવી રોગ મુકત રાખીએ બાળ.
18. મમતા દિવસે બાળક નું વજન કરાવીએ બાળક ના વિકાસ ની જાણકારી મેળવીએ .
19. રસીઓ નું છે વરદાન બાળક ને આપે જીવન દાન .
20. પાણી પહેલા બાંધો પાળ તમામ રસી મુકાવો. રોગ મુક્ત થાય બાળ . રોગ ભક્ષક છે . રસી રક્ષક છે .
(૪) પોષણ ને લગતા સૂત્રો .....
જન્મથી ૬ માસ સુધી
1. બાળક દિવસે અને રાત્રે, જયારે માંગે ત્યારે ધવડાવો.
2. ૨૪ કલાકમાં ઓછામાં ઓછું ૮ થી ૧૦ વખત ધાવણ આપો.
૩. જન્મ પછી તરત જ બાળકને ધાવણ આપો અને ૬ માસ સુધી ધાવણ સિવાય બીજુ કાંઇ પણ ન આપો.
4. બાળક બિમાર હોય તો પણ તેને ધવડાવવાનું ચાલુ રાખો.
૬ થી ૧૨ માસ સુધી
5. બાળક માંગે તેમ ધવડાવાવનું ચાલુ રાખો.
6. એક વખતે એક વાટકી દિવસમાં ત્રણ વખત
7. પાણી નાખ્યા વગરના વળ્યા દુધમાં મસળીને રોટલી કે ભાત આપો અથવા
8. જાડી દાળમાં ઘી કે તેલ નાખીને તેમાં મસળીને રોટલી કે ભાત આપો અથવા
9. ઘી કે તેલમાં મસળીને ખીસડી આપી. તેમાં બાફેલા શાકભાજી મેળવો અથવા
10. દુધમાં રાંધેલી સેવ, ખીર કે હલવો અથવા
11. અનાજ ની દુધમાં બનાવેલી રાબ અથવા બાફીને ચોળેલા બટેટા કે એક કેળું, ચીંકું કે કેરી આપો.
૧ થી ૨ વર્ષ સુધી
12. બાળક માંગે તેમ ધવડાવવાનું ચાલુ રાખો.
13. ઘરમાં બનતા ખોરાકમાંથી બાળકને આપો.
14. એક સાથે દોઢ વાટકી, દિવસમાં પાંચ વખત
15. જાડી દાળમાં ઘી કે તેલ નાંખીને તેમાં મસળીને રોટલી કે ભાત આપો
16. ઘી કે તેલ નાખીને ખીચડી આપો, રાંધેલા શાકભાજી તેમાં મેળવો અથવા
17. દુધમાં રાંધેલી સેવ, ખીર કે હલવો અથવા દુધમાં રાધેલી અનાજની રાબ
18. બાફેલા બટાટા કે ફળો આપો.
૨ વર્ષ અને ત્યારબાદ
19. દિવસમાં ત્રણ વખત ઘરમાં બનતો ખોરાક આપો. 20, ઉપરાંત વચ્ચે બે વખત પોષક નાસ્તો આપો.
21. આ સિવાય અન્ય બીજી તકેદારીઓ રાખો જેવી કે
22. બાળકને નિયમિત રીતે આંગણવાડી કેન્દ્ર પર મોકલો.
23. આંગણવાડી કાર્યકર્તા બહેન દ્વારા એવું જાણવા મળે કે બાળક અતિ કુપોષિત કે સામાન્ય કુપોષિત છે તો તેમના દ્વારા આપવામાં આવતી સલાહો અનુસરો અને જરૂરીયાત પડે તો બાળકને CMTC માં સારવાર કરાવો.
24. બાળક બિમાર પડે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક સાધો અને તેને શાળાએ ન મોકલો.
25. બાળકનું નિયમિત રસીકરણ કરાવો,
26. પોષણ વધારે અને ભાવ ઓછા હોય, તેવા જ ખોરાકનું આપણને છે કામ
27. ઘરનું ભોજન, તંદુરસ્તીને જતન,
સવારનો પોષ્ટીક નાસ્તો, તંદુરસ્તીનો રસ્તો
28. વ્યસનમૂકત રહો, તંદુરસ્ત રહો. નિયમિત વ્યાયમ કરો, તંદુરસ્ત રહો. ઠંડા પીણાથી દૂર રહો.
29. સગર્ભા ટાણે પોષક આહાર, માતા બાળ સદાબહાર,
30. જે માતા ખાય ભાજી અને કઠોળ, તેનુ બાળ થાય ગોળ મટોળ
31. સમતોલ આહાર અને લોહતત્વસભર આહાર, વિવિધ રોગોનો કરે પ્રતિકાર
32. સગર્ભાવસ્થામાં ત્રણ તપાસ, પૌષ્ટીક આહાર અને લોહત્વની ગોળી. ભરી દે માતાની ખુશીઓની રંગોળી.
33. એનીમીયાનો સામનો કરવા, કરો લોહીની પૂર્તિ તથા ખોરાકમાં ફેરફાર.
34. આવો સૌ ભૈગા મળી, એનીમીયાને અટકાવીએ.ફીકકી આંખ ને ફીકકા નખ, એનીમીયાના પ્રથમ લક્ષણ,
35. તમે જાણો છો? લીલાં કાચાં ટામેટાં સસ્તાં મળે છે. અને તેનું પોષણ મુલ્ય લાલ પાકાં ટામેટાં જેટલું જ હોય છે.
36. તમે જાણો છો કે લીબું, કોબીજ, ભાજી, ગાજર, લસણ, ડુંગળી નિયમિત ખાવાથી તંદુરરસ્તી સારી રહે છે.
37. ઋતુ - ઋતુનાં શાકભાજી, તાજા શાકભાજી ખપ પુરતાં જ શાકભાજી ખરીદવાથી ખર્ચ ઓછો પોષણ વધુ.
38. કેરી, જરદાળુ, પીચમાનું વિટામીન 'એ' રતાંધળાપણાં સામે આંખને રક્ષણ આપે છે.
39. જામફળ, સંતરા, આંબળા અને લીબું -ઘરાનાનાં ફળોમાં વિટામીન 'સી' સારા પ્રમાણમાં હોય છે. તે રોગ સામે પ્રતિકાર કરવાની શકિત આપે છે.
40. ફણગાવેલાં અને આથો લાવેલાં અનાજનું આહાર મુલ્ય વધુ હોય છે.
41. બાળકના હાડકાં, સ્નાયુઓ, દાંતના યોગ્ય વિકાસ અને સારી આંખો માટે દૂધ ખુબ ઉપયોગી છે.
42. દૂધ, દહીં અને છાશ ત્રણેય પૌષ્ટિક છે, પણ દૂધ કરતાં દહીં અને છાશ વધુ સરળતાથી પચે છે.
43. લીલાં શાકભાજી આપણને ઘણાં રોગો સામે રક્ષણ આપે છે.
44. જે ખાય ભાજી તેની તબિયત સાજી, જે ખાય ભાજી તેની તબિયત તાજી.
45. ગાજર, પપૈયું અને કોળું ત્રણેય વિટામીન 'એ' ના ભેરૂ.
46. જે ખાય ચીકી. તે ન રહે ફીકી
47. શિયાળામાં તલ, શરીર કરે ખડતલ
48. સમતલ આહાર રોગ સામે કરે પ્રહાર
49. ચ્હાના બદલે ચણા તો જીવે ઘણા, ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર
50. તમાકુના પાનમાં એક દૈત્ય નો વાસ, ખાય, પીવે, સુઘે, ઘસે તેનો સત્યાનાશ
51. નવજાત શિશુને તુરંત માતાનું ધાવણ ધવડાવો.
52. દૂધ, લીલાં શાકભાજી ખાઓ, તાજગી મુકત લાંબુ જીવન જીવો
53. ખોરાક તો તાજો જ, ફળ પણ તાજાં જ અને પાણી પણ ચોખ્ખું હોય તો શરીર પણ નિરોગી જ રહે.
54. સમતોલ આહાર કુપોષણ સામેનો શ્રેષ્ઠ પ્રતિકાર
55. ખોરાકનું પોષણ મુલ્ય વધારો, અનાજ, કઠોળ અને શાકભાજીનું મિશ્રણ કરી વાનગી બનાવો.
(૫) સગર્ભામાં પાડુંરોગ અને ગર્ભાવસ્થાની જોખમી પરિસ્થિતિઓ ધરાવતી પ્રસુતાઓ. ને લગતા સૂત્રો ....
1. દિવસમાં થોડા થોડા સમયના અંતરે વિવિધ પૌષ્ટિક આહાર લો. તથા માત્રા વધારો.
2. લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ફળ, વધુ પ્રમાણમાં લો.
3. ભોજનમાં આયોડીનયુકત મીઠુ જ વાપરો.
4. દિવસમાં થોડા થોડા સમયના અંતરે આરામ કરો અને છેલ્લા ત્રિમાસિકમાં સંપૂર્ણ આરામ કરો,
5. રોજીંદા જીવનમાં ૮ થી ૧૦ ક્લાકની સતત ઉંઘ લો.
6. દર મહિને સ્ત્રી રોગ અને પ્રસતિ નિષ્ણાંત ડોકટર પાસે તપાસ કરાવો.
7. ડોકટર દ્રારા આપવામાં આવેલ લોહતત્વ, ફોલિક એસિડ, કેલ્શિયમ ની દવાઓ ની સાથે બ્લડ પ્રેશર નિયંત્રણ અને અન્ય રોગોની દવાઓ નિયમિત રીતે લો.
8. ગર્ભાવસ્થા દરમિયાન યોની માર્ગમાંથી લોહી કે અન્ય દુર્ગંધ યુકત પ્રવાહીનો સ્ત્રાવ થાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક સાધો.
9. સુવાવડ પ્રસૂતિ ગૃહમાં તબીબી દેખરેખ હેઠળ જ થાય તે ખાસ સુનિશ્ચિત કરો.
10. નિયમિત રીતે હિમોગ્લોબીન, ડાયાબીટીસનું પ્રમાણ વગેરે જેવા પરીક્ષણો કરાવો.
11. આપને હાંફ ચડે, થાક લાગે, સ્ફુર્તિ ન રહે કે ફીકકા દેખાવ તો આપ એનીમિક હોઇ શકો છો, આજથી જ લોહતત્વની ગોળી લો.
12. લોહતત્વની ગોળી એનીમીયાં મટાડે, તાજગીને સ્ફુર્તિ લાવે, રુચિને એ જગાડે
13. જો ખોરાકમાં લીલા શાકભાજી, લીબું, ગોળ હોય તો તો આપને પુરતું લોહતત્વ મળી શકે છે.
14. લીલી શાકભાજી, લીબું, ગાજર તાજગી અને સ્ફૂર્તિ સદાએ હાજર...
(૬) ઓછું જન્મ વજન ધરાવતાં નવજાત શિશુ ને લગતા સૂત્રો....
1. ઓછું વજન ધરાવતા બાળકોને ગંભીર ચેપ અને રોગો થવાની સંભાવના વધુ હોય છે કારણકે તેમની રોગપ્રતિકારક શકિત સામાન્ય બાળકની સરખામણીએ ખૂબ ઓછી હોય છે.
2. ઓછા વજનના બાળકો જન્મતાની સાથે જ બહારના વાતાવરણને અનુકુળ ન હોવાથી ગર્ભ જેવા વાતાવરણ ધરાવતા ઇન્કયુબેટરમાં યોગ્ય પ્રકાશ અને ગરમીમાં રાખવામાં આવે છે.
૩. તેની સાથે સાથે થોડી થોડી માત્રામાં પરંતુ સતત માતા નું ધાવણ આપવુંજરૂરી છે.
4. બાળકનું વજન સામાન્ય થાય ત્યાં સુધી માતા સિવાય અન્ય કોઇ સગા સબંધી કે કુટુંબીજનો એ ઓછા વજનવાળા બાળકનો સંપર્ક ટાળવો.
5. જન્મબાદ તરત જ ગળથુંથી આપવાના રિવાજને પ્રોત્સાહન ન આપવું.
6. બાળકને “કાંગારું કેર” આપવા માટેમાતાને પ્રશિક્ષિત કરવી.
7. બાળક જો ધાવણ લેવામાં અક્ષમ હોય તો માતાનું ધાવણ સ્વચ્છ પ્યાલીમાં કાઢી ચમચી વડે બાળકને માતાનું ધાવણ આપવું.
8. બાળકને આપવામાં આવતી રસીઓ તેના સમયે જ ડોકટર સલાહ હેઠળ મુકાવવી.
9. બાળકમાં બિમારીના લક્ષણ જણાય તો તાત્કાલિક ડોકટર નો સંપર્ક સાધવો.
(૭) રોગચાળો. ને લગતા સૂત્રો ...
દુષિત પાણી ખોરાક જન્ય રોગો અટકાવવા....
1. પાણી શકય હોય તો ઉકાળીને જ પીવું પાણીમાં પરપોટા થવા માંડે તે પછી પાંચ મિનીટ સુધી ઉકાળવા દઇ ઠંડું કર્યા પછી પીઓ.
2. કલોરીનની ગોળીઓથી જંતુમુકત કરેલું પાણી પીવો.
૩. ગમે તે ખુલ્લા જળસ્ત્રોતનું પાણી ન પીઓ.
4. પીવાના પાણીના તમામ સ્ત્રોતોની આસપાસ સ્વચ્છતા જળવાય તેવી વ્યવસ્થા ગોઠવો.
5. નળમાં પ્રથમ પાંચ મિનિટ દરમિયાન આવતું પાણી જવા દીધા પછી જ પાણી પીવાના ઉપયોગમાં લો.
6. માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો જ ઉપયોગ કરો.
7. ભુગર્ભમાં કે ઓવરહેડ પાણીની ટાંકીઓ હંમેશા સાફ રાખો.
8. શાકભાજી અને ફળ સારી રીતે ધોઇને જ ખાવ, બજારુ કાપેલા ફળો ન ખાવો.
9. પલળી ગયેલ અનાજ ખાવાથી ઝેર ની અસર થતી હોઇ તેવુ અનાજ ઉપયોગમાં ન લો.
10. રસોઇ બનાવતા કે પીરસતા પહેલા / જમતા પહેલા કે શૌચક્રિયા પછી સાબુથી હાથ અવશ્ય ધુઓ.
11. ઘરે સંડાશ બનાવીને તેનો અચુક ઉપયોગ કરો.
12. કચરો, એઠવાડ અને છાણ ગમે ત્યાં ન નાંખો.
13. દુધ ઉકાળેલું જ પીઓ.
14. ઘરમાં રાંધેલો તાજો, ગરમ સ્વચ્છ ખોરાક ખાવો.
15. જમવાના વાસણો ઢાંકીને મુકો.
16. જમ્યા પછી એઠવાડ ગમે ત્યાં ખુલ્લામાં ન ફેંકો.
17. ઉભરાતી કે લીકેજ હોય તેવી ગટર લાઇન અંગે મહાનગરપાલીકાને તાત્કાલિક જાણ કરો.
18. ચોખ્ખુ પાણી જે પીએ તે રહે સર્વદા નીરોગી
19. પાણીને શુધ્ધ કરવા કલોરીન ટેબ્લેટ નો ઉપયોગ થાય તો ઝાડા -ઉલટી ટાઈફોર્ડ .કમળા જેવા રોગ અટકાવી શકાય.
(૮ ) કુટુંબ કલ્યાણ - ને લગતા સૂત્રો...
1. બે સુવાવડ વચ્ચે લાંબો ગાળો માતા અને બાળકને સ્વસ્થ રાખે છે.
2. અમે બે , અમારા બે
૩. નવા જમાનાની નવી વાત,ટાંકા વગરનું એન.એસ.વી. ઓપરશેન પુરૂષને કાજ.
4. બે બાળક વચ્ચે અંતર રાખવા આપ શું અપનાવશો ? નિરોધ, ઓરલ પીલ્સ આંકડી કે પછી પીપીઆઇયુસીડી !
5. આપ જાણો છો! ચિરો કે ટાંકા વગરની પુરૂષ નસબંધી પણ ઉપલબ્ધ છે.
6. હવે પુરૂષો માટે પણ જવાબદારી નિભાવવાની તક છે, ચીરા કે ટાંકા વગરની નસબંધી અપનાવીએ.
7. જે પત્નિને કરે પ્રેમ એ એન.એસ.વી. ને જરૂર આવકારે.
8. આપે જયારે નસબંધી કરાવવા વિચાર્યું છે, તો પછી ચીરા કે ટાંકા વગરની એન.એસ.વી. ની માહિતી જરૂર મેળવશો.
9. પુરૂષ નસબંધી મર્દોની શાન.
10, જાતિય જીવનમાં નિરોધનો વપરાશ, સંતોષ અને સલામતીનો અહેસાસ.
11. આંકડીનો વપરાશ, ઇચ્છો ત્યારે બાળક મેળવવાની હાશ.
12. નિત્ય લેતાં એક જ ગોળી ગર્ભ નિવારણ કેરી, ઇચ્છો ત્યારે જ ગર્ભનું ધારણ, સુવિધા એ અનેરી
13. પ્રથમ જીવનમાં સ્થાવું સ્થિર, પછી જ બાળક ઇચ્છે ધીર
14. જન્મ વચ્ચે અંતર રાખવાના છે ઘણા ઉપાયો આપના મન પસંદ ઉપાયોને અપનાવો.
15. સુખનો મંત્ર રાખ જો યાદ, બીજું બાળક ૩ વર્ષ બાદ.
16. એક બાળક નો ધ્યેય મહાન . દીકરી દીકરો એક સમાન .
17. ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી . ઓપરેશન નહિ તો અપનાવો આકડી .
(૯ ) પી.એન. ડી. ટી. ને લગતા સુત્રો...
1. સ્ત્રી ભૃણ હત્યા એ મહાપાપ છે.
2. દીકરીને જન્મવાનો અધિકાર છે,
3. ગર્ભનું જાતીય પરીક્ષણ કાનૂની અપરાધ છે.
4. દીકરી સાપનો ભારો ખોટી છાપ, ભૃણહત્યા છે મોટુ પાપ.
5. દીકરો અમારો દીકરો, લગ્ન કરે ત્યાં સુધી, દીકરી અમારી દીકરી, અમે જીવીએ ત્યાં સુધી.
6. મહિલા જાગૃતિ ને ઉત્થાન, થાય નારી શકિતનું પ્રસ્થાન,
7. પરંપરાની બેડીઓ વહેલી તકે તોડીએ, પરિવર્તન થકી સ્ત્રીને સમર્થ બનાવીએ.
8. કદમ અસ્થિર હોય તે સ્ત્રીને રસ્તો નથી જડતો, શિક્ષણ સમર્થ સ્ત્રીને હિમાલય પણ નથી નડતો,
9. ભૃણજાતિ પરિક્ષણ નિષેધનો નવલો ધારો, સમાજના કલ્યાણર્થે સૌ કોઇ પાળો.
10. સ્ત્રી ભૃણ હત્યા એ છે મહાપાપ, સામાજીક જીવન બનશે અભિષાપ.
11. જો સ્ત્રી શકિતશાળી, તો સમાજ સમૃધ્ધ અને ભાગ્યશાળી.
12. જો બંને સ્ત્રી સ્વસ્થ, સાક્ષર અને પગભર, તો બને સમસ્ત સંસાર સુખમય,
13, સજા નહીં, સપનુ છે દીકરી, પારકા વચ્ચે એક પોતાની છે દીકરી,
14, વેદના નહીં, વરદાન છે દીકરી, ભાર નહીં જીવનનો સાર છે દીકરી.
15. ભણ્યા પછી જ દીકરી પરણે, ભવિષ્ય સુધરે મોભો વધે,
16. દીકરીને જન્મવાનો અધિકાર છે.
17. ગર્ભનુ જાતીય પરીક્ષણ કાનૂની અપરાધ છે.
18. દીકરી સાપનો ભારો ખોટી છાપ, ભૃણહત્યા છે મોટું પાપ
19. રસી મુકાવો બાળક બચાવો,
20. નમન કરીએ તુજને મા, સ્વસ્થ બાળની જનેતા થા.
21. ન કોઇ જાત છે, ન કોઇ ભેદ છે, બાળકની રક્ષા એ જ અમારો ઉદેશ છે.
22, એક બાળકનુ ધ્યેય મહાન, દીકરો દીકરી એક સમાન જ
23. દીકરી અને દીકરો મુજથી સવાયાં,
ભણીશે, ગણશે, કમાશે નામ રૂપાળાં
24. દીકરી મારી દીકરા જેવી, પુરાં કરે અરમાન, ભણતર ગણતર એવાં આપું, જગમાં ઉજાળે નામ
25, દીકરીનું સ્મિત બનશે તમારી સમૃધ્ધિનું ગીત, આનંદ મનાવીએ, દીકરીના જન્મને વધાવીએ.
26. સ્ત્રીભૃણ હત્યા અટકાવો, બેટી વધાવો
27. હસતા ખીલતા ફુલ જેવી દીકરી ખીલવશે જીવન ઉર્ધ્યાન, સમજીએ અને સમજાવીએ, દીકરીના જન્મને વધાવીએ.
28. દીકરી નથી જીંદગીનો ભાર, એ છે લક્ષ્મીનો અવતાર, દીકરીના જન્મનો ઉત્સવ મનાવીએ, આવો દીકરીના જન્મને વધાવીએ.
29. વેદના નહીં વરદાન છે દીકરી, ભાર નહી, જીંદગીનો આધાર છે દીકરી...
30. દીકરો તારે એક ઘર . દીકરી તારે બે ઘર . દીકરી છે લક્ષમી નો અવતાર .
31. આવો અટકાવીએ સૌ સાથે મળી સ્ત્રી ભૃણ હત્યા ને .
32. ગર્ભ પાત અટકાવો . સર્વનાશ અટકાવો .
(૧૦) વાહકજન્ય રોગો ને લગતા સૂત્રો .
1. ચોમાસાની ઋતુ માં આપણી આસપાસ પાણીનો ભરાવો થવાને કારણે ડેન્ગ્યુ,મેલેરીયા, ચીકનગુનીયા જેવા વાહકજન્ય રોગો થાય છે. આ રોગના મચ્છર બંધિયાર અને ચોખ્ખા પાણીમાં તેમના ઇંડા મુકે છે. જેમાંથી ૮ થી ૧૦ દિવસમાં મચ્છરપેદા થાય છે.
2. આપણી આસપાસ પાણીનો ભરાવો થવાની જગ્યાઓ જેવી કે અવાવરૂ,કુવા, અવાડા, ખેત તલાવડી, ચેકડેમ, તળાવ વગેરેમાંપોરાભક્ષક માછલી નાખવી આ માછલી શહેરી આરોગ્ય કેન્દ્રોમાં મળી શકે.
3.ઘરની અંદર મચ્છોરોનોફેલાવો અટકાવવા માટે ટાંકી, માટલા, કુંડા, તુટેલા કે નકામા કાટમાળ, ડબ્બા, ખુલ્લા જુના વાસણો, વગેરેમાં પાણીનો ભરાવો ન થવા દેવો.
4. ટાંકા, ટાંકી, માટલા વગેરે બરાબર ઢાંકીને રાખવા
5. ખાડા ખાબોચિયા તેમજ રસ્તા ની બાજુમાં ભરાયેલ પાણીમાં બળેલું ઓઇલ કે કેરોસીન દર અઠવાડીયે નિયમિત નાખવું.
6. મચ્છરોથી બચવા શરીર પુરા ઢંકાઇ જાય તેવા કપડા પહેરવા
7. વહેલી સવારે અને સંધ્યા સમયે ઘરના બારી બારણા બંધ રાખવા.
8. બારી બારણામાં જાળી લગાવો જેથી મચ્છર પ્રવેશી ન શકે.
9. સવારના સમયે ઘરમાં ગુગળ, લોબાન નો ધુપ તેમજ સાંજે લીમડાનો ધુમાડો કરી દરેક રૂમમાં ૩૦ મિનિટ બંધ રાખવો.
10, મચ્છર દાનીમાં સુવાની ટેવ પાડો.
11. દવાયુકત મચ્છર દાનીનો ઉપયોગ કરો.
12. પાણી રોકાય, મચ્છની ઉત્પત્તિ થાય, પુરાણ કરતાં પાણી સુકાય જાય, વહેતા પાણી તોય બચી જવાય, મેલેરીયાથી બચવાનો આજ તો છે ઉપાય
13. જયાં પાણી, ત્યાં પોરાં, જયાં પોરાં ત્યાં મચ્છર,જયાં મચ્છર ત્યાં મેલેરીયા
14. મચ્છર રોગ ફેલાવે છે, મચ્છરથી બચવા મચ્છર દાનીનો ઉપયોગ કરો.
15. કાયમી સ્થિર પાણીમાં ગપ્પી માછલીઓ મુકી, મેલેરીયા અટકાવી શકાય છે.
16. જયાં પીવાના પાણીની ટાંકી કે ઘડાં ઢાંકીને રાખેલાં હોય ત્યાં મચ્છરો ઉત્પન્ન થતા નથી.
17. મચ્છરની ઉત્પત્તિ અટકે તો હાથી પગા કે મેલેરીયાની ચિંતા જાય.
18. મચ્છરદાની જે ઘેર વપરાય, મેલેરિયા શું કરવા થાય ?
19, લોહીનું એક ટીપું મેલેરીયાના નિદાન માટે જરૂરી છે.
20. મચ્છરની ઉત્પત્તિ અટકાવવા આટલું કરવું જોઇએ.
21. મચ્છરની ઉત્પત્ત અટકાવવા આટલું કરવું જોઇએ, ખાડા-ખાબોચિયા પુરી દેવાય, બંધિયાર પાણી વહેતાં થાય, ભરાઇ રહેલા પાણીમાં ક્રુડ કે કેરોસીન નંખાય.
22. આપની પાણીની ટાંકીઓ પોરા મુકત રાખો.
23. મેલેરીયાથી બચવા, ખાડા ખાબોચિયા દૂર કરો.
24. મચ્છર દાની જે ઘરે વપરાય ત્યાં કદી ન થાય મેલેરિયા .
25. કોઈ પણ તાવ મેલેરિયા હોઈ શકે આજે જ લોહી ની તપાસ કરાવો .
26. ખાડા ખાબોચિયા પુરાવો . માખી મચ્છર ભગાવો .
27.મચ્છર થી જ મેલેરીયા, ડેંગુ અને ચિકનગુનીયા ફેલાય છે. મચ્છર ઉત્પતિ અટકાવો.
28..તાવ છે ? મેલેરીયા હોઈ શકે તપાસ માંટે બે ટીપા લોહી આપો. આરોગ્ય કાર્યકર કે ડોકટરની સલાહ મુજબ મેલેરીયાની ગોળીઓ લો.
29...મેલેરીયાથી બચવા ઘરમાં બધે જ જંતુનારા દાવા છંટકાવો છાંટેલી જગ્યાને અઢી માસ સુધી રંગરોગાન, લીંપણ કરશો નહી.
30..મચ્છર ઉત્પતી અટકાવો મેલેરીયાથી બચો.
31..મેલેરીયા નિયંત્રણ આપણા સૌને સ્પર્શતી સમસ્યા
32...મેલેરીયા નિયંત્રણ સૌની જવાબદારી.
33..મચ્છરદાની અપનાવો અને મેલેરીયા ભગાવો.
34...પાણી જયાં ભેગું થાશે ત્યાં મેલેરીયા, ડેંગુ અને ચિકનગુનીયાના મચ્છરો ઉત્પન થશે.
35...નાના મચ્છરો કરે છે મોટી પરેશાની, જળાશયોમાં ગપ્પીમાછલી મુકો.
36..ચોખ્ખુ, ખુલ્લુ, બંધીયાર, પાણી, મેલેરીયા-ડેંગુ-ચિકુનગુનિયા ને લાવે તાણી.
37..ઠંડી લાગીને તાવ આવે, વારંવાર પરસેવો વળે, તો સમજવું કે મેલેરીયાનો તાવ છે.
38..જો દુર રાખવો હશે, મેલેરીયા, ડેંગુ અને ચિકનગુનીયાને તો નિભાવવી પડશે બધા એ પોતાની જવાબદારી.
39..મેલેરીયા, ડેંગુ અને ચિકનગુનીયાનો થશે નાશ જો ભેગામળીને કરશું પ્રયાસ.
40..મેલેરીયા, ડેંગુનું છે આ ચકકર, જીતીશું આ જંગ એ વાત છે નકકર.
(૧૧ ) સ્વચ્છતા અને અન્ય આરોગ્ય ના સૂત્રો .
1. સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ .
2. જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી . સ્વચ્છ ગામ આરોગ્ય નું ધામ
3. સ્વચ્છતા એ તંદુરસ્તી નું પહેલું પગથિયું છે .
4. બીડી તમાકુ ને ગુટકા તેને લાગે બીમારી ના ઝાટકા .
5. ટીબી હારેગા દેશ જીતેગા...
6. જે ખાય બીટ ને ગાજર તંદુરસ્તી તેને ત્યાં હાજર .
7. જેનું પેટ બહાર તેને રોગ અંદર. જેનું પેટ અંદર તેને રોગ બહાર .
8. ક્ષય ( ટી.બી ) ના નિદાન માટે ગલફા ની તપાસ કરાવો .
9. આંખે ત્રિફળા દાતે લુણ . પેટ ના ભરવું ચારે ખૂણ.
10 . જે ખાય ટમેટા કરેલા ને કાકડી તેની તબિયત રહે ફાંકડી
11. ઝીંક ની ગોળીઓ અને ઓ.આર.એસ નું દ્રાવણ અપનાવીએ. ઝાડા થી મૃત્યુ અટકાવીએ.
12. સ્ત્રી સચવાય તો દેશ સચવાય . સ્રી સમજાય તો જીવન સમજાય .
13...જન ગણ મનની એક મતિ,કોઈ પણ ભોગે સ્વચ્છતાની છે શકિત
14...સ્વચ્છતા છે ભાઈજીવન જયોત,સભાનતાથી સાચવીએ તેનુ પોત
15....ગંદકી એ છે ત્રીજું વિશ્વયુધ્ધ, સ્વચ્છતા જતનથી દેશ રહે સમૃધ્ધ - સ્વચ્છતા ઝુંબેશ અપનાવીએ, ગંદકીને જાકારો પરખાવીએ
16....સદા કરો સ્વચ્છતાનું જતન, સદાકાળ સમૃધ્ધ રહે વતન
17....સફાઈ કરે સર્વ આપતિઓને દૂર,સ્વચ્છતા લાવે સર્વ સમૃધ્ધિનું ઘોડાપુર
18....ગંદકી મુકિતને ગણો નહિ વેઠ,સ્વચ્છતા જીવવાનો માર્ગ છે શ્રેષ્ઠ
19....સ્વચ્છ પાણી અને ગામની સફાઈ,એમાં આપણાં સૌની છે ભલાઈ
20.... ગંદકીનો થશે વિનાશ,ત્યાં જીવનો થશે ઉજાસ
21... સ્વચ્છતા છે અનમોલ ધારા, રાખશો સ્વચ્છતા થશે અમૃતધામ * સ્વચ્છતા અપનાવો, પાણી બચાવો
22....ગંદકી હટાવ,ગુજરાત બચાવ
23....પ્રદૂષિત હવા-પ્રદૂષિત પર્યાવરણ,સ્વચ્છ હવા સ્વસ્થ પર્યાવરણ
24....સ્વચ્છતા છે અણમોલ જતન,તેથી થાય જીવનભાર રક્ષણ
25....સ્વચ્છ હવા નિરોગી જીવન,સ્વચ્છ હવા સ્વચ્છ જીવન
26... લાંબુ જીવન ચોખ્ખાઈના પાઠ થકી સ્વચ્છતા જીવનના અંત સુધી
27....ફળિયે ફળિયે સફાઈ થાય,સ્વચ્છતા ના નાં પાઠ ભણાય
28... સ્વચ્છતા અભિયાનનો રથ,ગુજરાતો સાચી પથ
29....સ્વચ્છતાથી ગામ બને સુંદર,વનથી મન સુંદર બને - શુધ્ધ પાણી લાવે તંદુરસ્તી તાણી
30....ગંદકીનું નિયંત્રણ,જીવસૃષ્ટિનું સંરક્ષણ - જીવનની કરો વિચાર,સ્વચ્છતાનો કરો આચાર
31....શૌચક્રિયા શૌચાલયમાં, રાખો વિવેક આપણ સૌમાં શુધ્ધ પાણી છે જીવન દાતા,અશુધ્ધ પાણી છે મૃત્યુ દાતા
32...જો પર્યાવરણ ને કરીશ પ્રદૂષિત,તો આપણને મળશે અન્ન દૂષિત ચોખ્ખાઈ વિના જીવન ફળ, સ્વચ્છતા અભિયાનથી થાય ખુશ
33...ચોખ્ખાઈ છે તો નૂર છે,બાકી દૂનિયા ધૂળ છે, શેરીએ શેરીએ પડાવો સાદ,સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઓ આજ
34....સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે,સ્વવચ્છ ગામમાં ઈશ્વર વસે છે.
35....સ્વચ્છતામાં જ પ્રભુતા, ગંદકીમાં જ બિમારીને નિમંત્રણ
36...નીરોગી શરીરમાં નીરોગી મન,સ્વચ્છતા ઝુંબેશમાં સૌ ન તન
37...આવો આપણે સૌ મળી કરીએ સંકલ્પ,ગંદકી કરનારાઓ સામે જેહાદનો સપ.
38. ગામ ની છે એ આબરૂ . જો ઘરે ઘરે હોય જાજરૂ .
39. તન સ્વચ્છ તો મન સ્વચ્છ .
40. જેણે વાપર્યા ડોયો . તને રોગ કદી ન જોયો .
41. જે જગ્યાએ હશે ગંદગી . ત્યાં નહિ ફળે બંદગી .
42. ગંદગી બતાવે . દવાખાના ની સીડી .
43. ના મારો ખોટી ડંફાસ . પહેલા બનાવો ઘરે સંડાસ .
44. ગંદકી થી જીવન સુકાય . સ્વચ્છતા થી જીવન લહેરાય .
45. સ્વચ્છતા ત્યાં પ્રભુતા ...
46. સ્વચ્છતા માટે પળ ના બગાડો . ગંદગી કરી જીવન ના બગાડો .
47. મારા ઘરે સ્વચ્છતા નો છે તાજ . શૌચાલયે રાખી મારી લાજ .
48. પહેલું સુખ તે જાતે નર્યા .
49. આરોગ્ય એ વાસ્તવિક સંપતિ છે .
50. ચાલો સૌવ ગંદકી નું કરીએ પતન અને આરોગ્ય નું કરીએ જતન
(૧૨) વ્યસનમુક્તિના સૂત્રો....
1....એકનો નશો છોડાવો, પાચ ના જીવન બચાવો.
2. વ્યસનની ના હોય ફેશન.
3. બીડી છે મોતની સીડી. > નશાને છોડો, ઘરને જોડો.
4. રમે જુગાર, પીવે દારૂ, તેના છોકરા લગાવે ઝાડૂ.
5....છોડો મોહ વ્યસનનો, મેળવો આનંદ જીવનનો. – સીગરેટ બીડી જે પીવે, મોતની નિંદર તે પૂર્વે.
6. મસાલો ગલો જે ભરાવે, કેન્સર તેને રોવરાવે. સૌનો સાથ, નશાનો નાશ.
7....બીડી બતાવે, દવાખાનાની સીડી.
8....દારૂડીયો દારૂ ને નથી પીતો, દારૂ દારૂડીયાને પી જાય.
9....જે માણસ પીવે દારૂ, તેનું જીવન ન રહે સારૂ.
10....વ્યસનની સોબત જે કરે, સમાજમાં તે અપ્રિય રહે. ભણતર માટે પળના બગાડો, વ્યસન કરી જીવન ના બગાડો.
11...ગાંડા હોય તે વ્યસન કરે, ડાહયા તેનાથી દૂર રહે.
12.... ફેશન માટે ના કરો વ્યસન.
( ૧૩ )પર્યાવરણ ના સુત્રો
- છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં ૫રમેશ્વરનો વાસ હોય છે.
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા
- જળ એ જ જીવન છે.
- ૫ર્યાવરણનું રોકવા પ્રદુષણ, કરવુ ૫ડશે વૃક્ષારો૫ણ
- વૃક્ષ ૫શુ, પંખી છે ઘરતીનું ઘન, જેનુ કરીએ મનથી જતન.
- વન બચાવો, ૫ર્યાવરણ બચાવો, જીવન બચાવો
- વન્ય પ્રાણી ૫ર્યાવરણનું ઘરેણું છે.
- ૫ર્યાવરણ બચાવવુ હોય તો, ૫ર્યાવરણના જીવોને જીવવા દો.
- ઓઝોનમાં ૫ડયા ગાબડા, દાઝી ગયા ગામડા.
- આ૫ણા સૌનો એક જ સુર, ચાલો કરીએ પ્રદુષણ દુર
- વાયુ બગડશે તો આયુ કથળશે.
- ૫ર્યાવરણ માટે એક જ નારો, જળ, જમીન અને વાયુ સારો.
- ૫ર્યાવરણ દુરસ્ત તો આ૫ણે તંદુરસ્ત.
- શુદ્ધ હવા ને સ્વચ્છ ૫ાણી, લાંબુ જીવશે હરકોઇ પ્રાણી.
- ૫ર્યાવરણ છે પ્રકૃતિની શાન, જાળવી રાખો તેની જાન.
- ૫ર્યાવરણની જાળવણી, સૌની સમૃઘ્ઘિ.
- ૫ર્યાવરણ આ૫ણી માતા, તેના વગર કયાંથી સાતા.
- વૃક્ષની સંભાળ, ૫ર્યાવરણની સમૃદ્ઘિ.
- ૫ર્યાવરણ એટલે વરદાન, પ્રદુષણ એટલે અભિશા૫.
- વૃક્ષો ૫ર ફળો ન લાગે નદીમાં ન રહે નીર, ૫ર્યાવરણ પ્રદુષણ થતાં જર્જર બન્યુ શરીર.
(૧૪) આરોગ્ય વર્ધક સૂત્રો .
1..પાંચે ઊઠો નવે શિરાવો, પાંચે વાળુ નવે સૂવો, બસ આટલું રોજ કરો, ને પછી સો વર્ષ જીવો.
2...ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય, તુંબે પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
3... ગળો, ગોખરું ને આમળા, સાકર ઘીથી ખાય, વૃદ્ધપણું વ્યાપે નહીં, રોગ સમૂળા જાય.
4...ખાંડ, મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય, વિવેકથી ખાજે નહિંતર, ના કહેવાય કે ના સહેવાય.
5...સવારે પાણી બપોરે છાશ, સાંજે પીઓ દૂધ, વહેલા સૂઈ વહેલા જાગો, ના રહે કોઈ દુઃખ.
“6... સર્વ રોગના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ, જેનું પેટ નથી સાફ, પછી આપે બહુ ત્રાસ.
7...ચાવીને ખૂબ ખાજો, હોતા નથી પેટમાં દાંત. હજાર કામ મૂકીને જમવું ને લાખ કામ મૂકી સૂવું, કરોડ કામને પડતાં મૂકી હાજતે જઈને રહેવું.
8.જે ખાય ભાજી, તેની તબિયત તાજી.
9...જે ખાય મગ, તેના જોરમાં ચાલે પગ.
10....તુલસીના પાન, દિલમાં લાવે જાન.
11..શિયાળામાં તલ, શરીર કરે ખડતલ.
12...અળવીના પાન, સુંદર બનાવે વાન.
13....આને બદલે ચણા, તો જીવે ઘણા. દહાડો.
14...ખાંડના બદલે ગોળ, તો હાથમાં આવે જોર.
15...બ્રેડ અને પાઉં, તબિયત કરે ચાઉં.
16...ભેળપુરી,ભાજીપાઉં, તબિયત કરે ચાઉં.
17....ચા ને બદલે રાબ, તો વધે રુઆબ. ઘણો .
18. જો ખાય વાસી ભજિયા, તો પેટમાં થાય કજિયા.
19...રોટલા, કઠોળ, ફળ ભાજી, ખાનારની તબિયત તાજી.
20...તાજી મીઠી મોળી છાશ, ભોજન અંતે પીજો ખાસ.
21.મહેનત કરીને હકનું ખાય, તેને કદી રોગ ન થાય.
22.જેનો બગડ્યો ઝાડો, તેનો બગડ્યો દહાડો .
23. જળ, માટી ને ખુલ્લી હવા, કુદરતની એ ઉત્તમ દવા.
24. હરડે, બહેડા, આમળા ને ચોથી ચીજ ગળો, તેનું સેવન જે કરે, વ્યાધિ તેની ટલી .
25. ડાબે પડખે લેટવું, જમ્યા પછી ઘડીવાર, અને દિવસે ના ઊંધશો, જમો ન વારંવાર.
26.. રોજ આ મેંદા બેસનનું ફરસાણ, પેટમાં કરે ધમસાણ.
27...ઘઉં ખાવાથી શરીર ફૂલે, 'ને જવ ખાવાથી ઝૂલે ; મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણા ખુલે ..
28...ઘઉં તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું મગ ની દાળ ને ચોખા મળે, તો લાંબુ જીવી જાણું ...
29...ગાયના ઘી માં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો
30..ને તલના તેલની માલીશ થી, દુ:ખે નહિ એકે ય સાંધો ...
31...ગાયનુ ઘી છે પીળું સોનુ, 'ને મલાઈ નું ઘી ચાંદી ; હવે વનસ્પતિ ઘી ખાઈને, થાય સારી દુનિયા માંદી ...
32....મગ કહે હું લીલો દાણો, 'ને મારે માથે ચાંદું; બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદું
33...ચણો કહે હું ખરબચડો, મારો પીળો રંગ જણાય જો રોજ પલાળી મને ખાય, તો ઘોડા જેવા થવાય ...
34....રસોઈ રાંધે જો પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબુ જો ભોજન કરે કાંસામાં, તો જીવન માણે લાબું ...
35....ઘર ઘર માં રોગના ખાલા, 'ને દવાખાના માં બાટલા ; ફ્રીજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલા ..
36....પૂર્વે ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય પશ્ચિમે ચિંતા ઉપજે, ને ઉત્રરે હાનિ થાય ...
37...ઊંધો સુવે તે અભાગ્યો, ચતો સુવે તે રોગી ; ડાબે તો સૌ કોઈ સુવે, જમણે સુવે તે યોગી ...
38...આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનુ શું કામ ; આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના થાય છે જામ ...
39...રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર પ્રભુ ભજન પછી, કરે ભોજન ; એ નર વીર.
ઘઉં ખાવાથી શરીર ફૂલે, ને જવ ખાવાથી ઝૂલે
મગ ને ચોખા ના ભૂલે, તો બુદ્ધિના બારણા ખુલે…
ઘઉં તો પરદેશી જાણું, જવ તો છે દેશી ખાણું
મગ ની દાળ ને ચોખા મળે, તો લાંબુ જીવી જાણું …
ગાયના ઘી માં રસોઈ રાંધો, તો શરીરનો મજબૂત બાંધો
ને તલના તેલની માલીશ થી, દુઃખે નહિ એકે ય સાંધો…
ગાયનુ ઘી છે પીળું સોનુ, ને મલાઈનું ઘી ચાંદી
હવે વનસ્પતિ ઘી ખાઈને, થાય સારી દુનિયા માંદી…
મગ કહે હું લીલો દાણો, ને મારે માથે ચાંદું
બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાડું માંદું…
ચણો કહે હું ખરબચડો, મારો પીળો રંગ જણાય
જો રોજ પલાળી મને ખાય, તો ઘોડા જેવા થવાય …
રસોઈ રાંધે જો પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબુ
જો ભોજન કરે કાંસામાં, તો જીવન માણે લાબું…
ઘર ઘર માં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા
ફ્રીજ ના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલા…
પૂર્વે ઓશીકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય
પશ્ચિમે ચિંતા ઉપજે, ને ઉત્તરે હાનિ થાય…
ઊંધો સુવે તે અભાગ્યો,ચતો સુવે તે રોગી
ડાબે તો સૌ કોઈ સુવે, જમણે સુવે તે યોગી…
આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનુ શું કામ
આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના થાય છે જામ…
રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર
પ્રભુ ભજન પછી, કરે ભોજન, એ નર વીર
ટિપ્પણી પોસ્ટ કરો