આશા ફેસીલીટેટર માટે ની માર્ગદર્શિકા
શુ તમે આશા ફેસીલીટેર વિશે જાણો છો?
આશા ફેસીલીટેટર એટલે શું ?
આશા ફેસીલીટેટર એક એવી વ્યક્તિ છે જે તેના હસ્તક ( વિસ્તાર )ની આશાઓની કામગીરી પર દેખરેખ રાખે છે તથા માર્ગદર્શક તરિકેનું કામ કરે છે,તેની માત્ર પસંદગી કરવામાં આવે છે, તે કોઇ કર્મચારી કે નોકરીયાત નથી. ટુંકમાં આશા ફેસીલીટેટરની મુખ્ય ભુમિકા તેના તાબા હેઠળની આશાઓને સર્પોટીવ સુપરવિઝન પુરુ પાડવાનું છે. આશા ફેસીલીટેટરને આ માટે માત્ર આવવા-જવાનું ભાડુ જ ચુકવવામાં આવે છે .
આશા ફેસીલીટેટરની પસંદગીનો હેતુ શુ છે
રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનનો હેતુ ગામમાં કાર્યરત આશાઓને એક માર્ગદર્શક પુરો પાડવાનો છે. જે આશાને ફિલ્ડ દરમ્યાન પડતી મુશ્કેલીઓ તેમજ કાર્યક્રમની પ્રવ્રુતિઓમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ લાવે છે જેથી આશાની કામગીરીમાં ગુણવતા લાવી નિશ્ચિત પરિણામો મેળવી શકાય છે. આશા ફેસીલીટેટર આશાને તેના જ ગામમાં ઓન જોબ તાલીમ આપવાની કામગીરીમાં સહાયતા કરશે.
આશા ફેસીલીટેટરની પસંદગીનું ધારાધોરણ શુ છે .
આશા ફેસીલીટેટરની પસંદગીની મુખ્ય જવાબદારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા બ્લોક હેલ્થ ઓફિસરશ્રીની સંયુક્તપણે રહેશે. ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટીના ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટે બ્લોક હેલ્થ ઓફિસના સંકલનમાં રહીને નીચે દર્શાવ્યા પ્રમાણેના પસંદગીની લાયકાતના ધારાધોરણો મુજબ આશા ફેસીલીટેટર માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવાની રહેશે. આ માટે સ્થાનીક ઉમેદવારની પસંદગી કરવાની રહેશે કે જેથી ફેસીલીટેટર આશાઓ સાથે રહે અને તેઓને માર્ગદર્શન આપી શકે. આશા ફેસીલીટેટરના કરારનો સમયગાળો ફક્ત ૧૧ માસ માટેનો રહેશે. કરારનો સમયગાળો પુર્ણ થયા બાદ તેઓની કામગીરીનું મુલ્યાંકન કરીને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના જે તે સમયના પ્રર્વતમાન નિયમો અનુસાર રિન્યુ કરવાનો રહેશે. આશા ફેસીલીટેટરની પસંદગી બ્લોકમાં કામ કરી ચુકેલ એએનએમ હેલ્પર અથવા આશામાંથી અનુભવ, મેરિટ અને ભુતકાળની કામગીરીને ધ્યાને લઇને કરવાની રહેશે. અનુભવ, મેરિટ અને ભુતકાળની કામગીરીના દરેક ભાગને એક તુર્તિયાંશ મહત્વ આપવાનું રહેશે . ( ત્રણે વિભાગને )
રિપોર્ટીંગ ઓફિસર: તબીબી અધિકારીશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે
ફરજો : રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત પ્રવૃતિઓના અમલીકરણનો વ્યાપ વધારવા આશાનું સશક્તિકરણ કરવું, નિરિક્ષણ કરવું અને આશા માટે માર્ગદર્શક બનવું .
શૈક્ષણિક લાયકાત : સ્ત્રી ઉમેદવાર ધોરણ ૧૨ પાસ અથવા વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતી હોવી જોઇએ. આ પ્રકારની જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવાર ન મળે તેવી પરિસ્થિતિમાં ધોરણ ૧૨ પાસથી નીચેના ઉમેદવારો લઇ શકાશે . એએનએમ હેલ્પર તરિકે કામ કરેલ ઉમેદવારને પસંદગી માટે અગ્રીમતા આપવી અને એએનએમ હેલ્પરની કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવાર ન મળે તો જ બીજા ઉમેદવારો લઇ શકાશે.
અનુભવ : આશા અથવા તો એએનએમ હેલ્પર તરીકેના કામનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ. (ઉમેદવારે બન્ને જ્ગ્યાએ કામ કરેલુ હોય તો બન્નેનો સંયુક્ત અનુભવ ગણવો )
કુશળતા : લોકો સાથે વાતચીતની કુશળતા, નેર્તુત્વની ક્ષમતા, સ્થાનિક ભાષાની જાણકારી અને અહેવાલ રજુ કરવાની કુશળતા જેવા ગુણો જરૂરી છે અને પસંદગી દરમ્યાન આ ગુણોને પ્રાધ્યાન આપવું.
જવાબદારી, મુલ્યાંકન અને કરાર ચાલુ રાખવા માટે :
આશા કાર્યક્રમની અસરકારકતા અને આશા ફેસીલીટેટરની કામગીરીનું મુલ્યાંકન સંબંધિત પ્રા.આ.કેન્દ્રના તબીબી અધિકારીશ્રી અને સંબંધિત બ્લોક નોડલ ઓફિસર/ બ્લોક કોમ્યુનીટી મોબીલાઝરે કરવાનું રહેશે. મુલ્યાંકન નીચેના ધોરણે કરવાનું રહેશે.
આશા ફેસીલીટેટર દ્વારા તેઓના હાથ નીચે કાર્યરત આશાઓના સુપરવિઝનનું માસિક રિપોર્ટીંગ પત્રક .
સુપરવિઝન હેઠળની તમામ આશાનાં મોનીટરીંગ પત્રકના સુચકાંકોની ઇ મમતામાં સફળતા પુર્વક ડેટા એન્ટ્રી. ( ઇ મમતા – મધર એન્ડ ચાઇલ્ડ ટ્રેકિંગ સોફ્ટવેર )
આશા ફેસીલીટેટર દ્વારા આશાઓની આરોગ્ય કાર્યક્રમની જાણકારી વધારવા માટે, તેમના સશક્તિકરણ અને કામગીરી દરમ્યાન આશા ફેસીલીટેટર દ્વારા સહકાર અંગે આશાઓ તરફથી મળેલ ક્ષેત્રીય પ્રતિભાવો.
સંબંધિત પ્રા.આ.કેન્દ્રના તબીબી અધિકારીશ્રી અને સંબંધિત બ્લોક નોડલ ઓફિસર/ બ્લોક કોમ્યુનીટી મોબીલાઝર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને મુલ્યાંકન અહેવાલ રજુ કરશે. જેના આધારે સંબંધિત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી દ્વારા જે તે સમયના એનઆરએચએમના નિયમો અનુસાર આગામી કરાર રિન્યુ કરવાનો રહેશે,
આશા ફેસીલીટેટરની પસંદગીની સંખ્યાના ધોરણો :
આશા ફેસીલીટેટર રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સામુદાયિક પ્રક્રિયા માટે આશા અને પ્રા.આ.કેન્દ્ર / તાલુકા કક્ષાના માળખા વચ્ચે કડીરૂપ ભુમિકા ભજવશે.
દરેક આશા ફેસીલીટેટર એક/બે/ત્રણ સબ સેન્ટર હેઠળની અંદાજે ૧૦ આશાની પ્રવૃતિઓને સહકાર આપશે.
ડુંગરાળ વિસ્તારમાં ૮ ( આઠ) આશાએ એક આશા ફેસીલીટેટર પસંદ કરી શકાય. આ દ્રષ્ટાંત રૂપ
છે. પરંતુ આશાની કુલ સંખ્યા અને વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિને ધ્યાને લઇ બદલાઇ શકે છે.
આશા ફેસીલીટેટરનું મહેનતાણું :
આશા ફેસીલીટેટરને તેણીએ લીધેલ ક્ષેત્રીય મુલાકાતોના આધારે મહેનતાણું મળવાપાત્ર રહેશે. મુલાકાતના પ્રત્યેક દિવસ માટે રૂ/. ૧૫૦/- ની સ્થાયી રકમ દર મહિને વધુમાં વધુ ૧૫ મુલાકાતો માટે મળવાપાત્ર રહેશે. (જે તે નાણાંકીય વર્ષનાં ડિસ્ટ્રીક પી.આઇ.પી.માં સુચવેલ ક્ષેત્રીય મુલાકાતોની સંખ્યાના આધારે બદલાશે.), કે જેનું નિયંત્રણ આશા ફેસીલીટેટરે તેના તુરંતના નિરિક્ષક અધિકારી અથવા પ્રા.આ.કેન્દ્રના તબીબી અધિકારીને રજુ કરેલ માસિક ટુર ડાયરીને આધારે કરવામાં આવશે. ફિલ્ડ વિઝિટ રિપોર્ટનું પત્રક એનેક્ષર – ૧ આ સાથે સામેલ છે. આશા ફેસીલીટીટર સુચિત માસિક ફિલ્ડ વિઝિટનું પત્રક સહિ કરીને તબીબી અધિકારી પ્રા.આ.કેન્દ્રને રજુ કરશે. આ પત્રકના આધારે આશા ફેસીલીટેટરના માસિક મહેનતાણાંની ગણતરી કરવામાં આવશે અને ચુકવવામાં આવશે. આશા ફેસીલીટેટરે અગાઉથી તેઓનું માસિક મુલાકાતનો પ્રોગ્રામ તબીબી અધિકારી પ્રા.આ.કેન્દ્ર પાસે મંજુર કરાવવાનો રહેશે.
કામગીરીનું સ્થળ : કરારનામામાં નિર્ધારિત કરેલ અને સોંપેલ સબંધિત આરોગ્ય સંસ્થા ( પ્રા.આ.કેન્દ્ર (બ્લોક) હેઠળના સબ સેન્ટરોના ગામોમાં મુખ્યત્વે ક્ષેત્રીય કામગીરી કરવાની રહેશે કે જે વખતોવખત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી / તાલુકા આરોગ્ય અધિકારી અને અન્ય નક્કી કરેલ અધિકારીઓ દ્વારા બદલાઇ શકે છે.
કામના દિવસો :
વધુમાં વધુ ૧૫ ( પંદર ) મુસાફરીના દિવસો માટે જ તેણીને ટી.એ./ડી.એ. ચુકવવામાં આવશે.
કામકાજનો સમય :
આશા ફેસીલીટેટરે નિર્ધારિત સબ સેન્ટર હસ્તકની આશાઓની મુલાકાત લઇને આશાને સાથ-સહકાર આપવાનું કામ કરવાનું છે. આશા ફેસીલીટેટરની સેવા મુખ્યત્વે ક્ષેત્રીય મુલાકાત આધારિત હોઇ ચોક્ક્સ સમય નિયત કરી શકાય નહિ. તેણીએ આશાની સાથે પુર્વનિર્ધારિત નક્કી કરેલ અનુકુળ સમય અથવા
ગામમાં તેણીને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઇ શકે તેવા સમયે ફિલ્ડ કરવાનું રહેશે . તદઉપરાંત તેણીએ કોમ્યુનીટી મીટીંગ / મમતા દિવસ ( તેણીના સુપરવિઝન વિસ્તારમાં આવતા સ્થળે ચાલતા ) ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિની બેઠક, રસીકરણ સેશન / સેટકોમ બેઠક / આશાની માસિક બેઠક તથા આયોજિત અન્ય બેઠકો અને તાલીમ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાની રહેશે .
સુપરવાઇઝર ( નિરિક્ષક ) :આશા ફેસીલીટેટરે સબંધિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી / તાલુકા આરોગ્ય અધિકારી / તાલુકા નોડલ ઓફિસર / તબીબી અધિકારી પ્રા.આ.કેન્દ્રના સંપુર્ણ નિરિક્ષણ હેઠળ કામ કરવાનું રહેશે. તેણી સબંધિત આશા / એએનએમ / એમપીએચડબલ્યુ / આંગણવાડી કાર્યકર સાથે રોજિંદી પ્રવૃતિઓ માટે ઘનિષ્ઠ સંકલન કરશે. આ ઉપરાંત તે બ્લોક નોડલ ઓફિસરશ્રી સાથે પણ આશા કાર્યક્રમના મોનીટરીંગ અને સુપરવિઝન, તાંત્રીક સમજ અને આશા કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે સતત સંકલનમાં રહેશે. ડિસ્ટ્રીક નોડલ ઓફિસર ( ડિસ્ટ્રીક કોમ્યુનીટી મોબીલાઇઝર ) દ્વારા પણ આશા કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે વખતોવખત આપવામાં આવતી કામગીરી કરવાની રહેશે.
આશા ફેસીલીટેટરે મુખ્યત્વે નીચે પ્રમાણે કામગીરી કરવાની થાય છે.
અ
બ્લોક નોડલ ઓફિસરશ્રી દ્વારા થતી માસિક માટીંગમાં હાજરી આપવી .
તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્ર દ્વારા થતી માસિક માટીંગમાં હાજરી આપવી પોતાના તાબા હેઠળની આશાઓની માસિક મીટીંગ કરવી .
. આશા તાલીમ કાર્યક્રમની ગુણવત્તા તપાસવી તથા તાલીમનું મોનીટરીંગ કરવુ . મમતા દિવસના સેશનમાં આશાની કામગીરીનું સુપરવિઝન કરવું .
ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિની બેઠકમાં ભાગ લેવો .
ગ્રામ્ય કક્ષાની પંચાયતી રાજ સંસ્થાઓ, સ્વાયત મંડળો સાથે આરોગ્યના મુદ્દાઓ ઉપર સંપરામર્શ કરવું .
ઇ મમતા ( મધર એન્ડ ચાઇલ્ડ ટ્રેકીંગ સોફ્ટવેર ) માં આપવામાં આવતી સેવાઓની એન્ટ્રી બાબતે મોનીટરીંગ કરવું .
બ.
. ઉક્ત દર્શાવેલ તમામ પ્રવૃતિઓ કરવા માટે આશા ફેસીલીટેટરે મહતમ ૧૫ દિવસની ફિલ્ડ વિઝિટ ( ક્ષેત્રીય કામગીરી ) કરવાની રહેશે . જેમાં આશાની સાથે રહીને ઘરે ઘરે ફિલ્ડ વિઝિટ કરવી તથા આશાને રોજબરોજની કામગીરીમાં સતત સહકાર પુરો પાડવાનો રહેશે .
આશા ફેસીલીટેટરની જવાબદારીઓ :
૧. આશા ફેસીલીટેટર એક સ્વૈચ્છિક કાર્યકર છે. આશા ફેસીલીટેટરે પોતાના તાબા હેઠળની ૧૦ આશાઓ દ્વારા કરવામાં આવતી કામગીરી / પૂર્વતિઓ પર દેખરેખ રાખવાની છે.
૨ . આશા પણ એક સ્વૈચ્છિક કાર્યકર છે. આશા ફેસીલીટેટરે પોતાના વિસ્તારની તથા પોતાના તાબા હેઠળની તમામ આશાઓને તેમની કામગીરી સારી રીતે કરે તે માટે મોટીવેટ કરી જરૂરી સહકાર પુરો પાડવાનો રહેશે . આશા પોતાની કામગીરીની જવાબદારી પોતે સમજે, આરોગ્યની પાયાની તથા જરૂરી બાબતોની જાણકારી રાખે તે બાબતે તેમને સમજણ તથા સહકાર પુરો પાડવાનો રહેશે. આશા ફેસીલીટેટરે આશાની રોજબરોજની કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે.
૩ . આશા ફેસીલીટેટરે ગ્રામ પંચાયતના સભ્યો સાથે સંપર્કમાં રહી ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિની સુચારુ બેઠક થાય તે માટે પરામર્શ કરવો . આઇ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી કાર્યકર/સુપરવાઇઝર સાથે સંપર્કમાં રહી કુપોષણ અટકાવવા સંબંધિત કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે કામગીરી કરવી.
૪ . આશા ફેસીલીટેટરે આશા કાર્યક્રમના અમલીકરણ માટે પેટા આરોગ્ય કેન્દ્ર ( સબ સેન્ટર ), પ્રાથમિક ( આરોગ્ય કેન્દ્ર ( પી.એચ.સી. ), સામુહિક આરોગ્ય કેન્દ્ર ( સી.એચ.સી. ) તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ વગેરે આરોગ્ય કેન્દ્રો બાબતે જાણકારી રાખવી જોઇશે. વધુમાં જે કેન્દ્રો ખાતે પ્રસુતિ થતી હોય તે કેન્દ્રોની માહિતી રાખવાની રહેશે તથા પોતાના વિસ્તારમાં પ્રસુતિ થતી હોય તેવા કેન્દ્રો ખાતે સંપર્કમાં રહેવાનું રહેશે.
૫ . આશા ફેસીલીટેટરે પોતાના તાબા હેઠળની તમામ આશાઓ સાથે વારાફરથી ફિલ્ડમાં ( આશાના ગામમાં ) આશા સાથે જવાનું રહેશે. આશા ફેસીલીટેટરે આશા સાથે જ્યાં આશાને આરોગ્ય વિષયક કામગીરી માટે ગામમાંથી સહકાર મળતો ના હોય અથવા આશાને તકલીફ પડતી હોય તે ઘરોમાં અથવા ફળિયામાં આશાને સાથે રાખી ફિલ્ડ વિઝિટ કરવાની રહેશે. આશા ફેસીલીટેટરે છ હાઇ ફોકસ ( ખાસ કાળજી લેવાની થાય છે તે જિલ્લા ) જિલ્લાઓ ( બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ નર્મદા નવસારી અને વલસાડ ) માં આશા દ્વારા કુટુંબ કલ્યાણના ગર્ભનિરોધક સાધનોના સોશ્યલ માર્કેટિંગમાં મદદ કરવાની રહેશે.
૬ . આશા ફેસીલીટેટરે આશા પોતાના વિસ્તારના ગરીબ લાભાર્થી સુધી પહોંચે તથા જમીન વિહોણાં ઘરના મુખ્ય વ્યક્તિનો આધાર છિનવાઇ ગયો હોય તેવા કુટુંબો, માઇગ્રન્ટ કુટુંબો ( સ્થળાંતર કરતાં કુટુંબો), વિકલાંગ લાભાર્થી વગેરેની ઓળખ કરી આરોગ્યને સંબંધી સેવાઓ તેમના સુધી પહોંચાડે તે માટે ખાસ મોનીટરીંગ કરવુ. જરૂર પડે ગ્રામ્ય આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સમિતિ દ્વારા લાભ અપાવવો.
૭ .આશા ફેસીલીટેટરે આશાને સમુદાયના લોકો સાથે એટલે કે ગામ લોકો સાથે આરોગ્યના પ્રશ્નો કે આરોગ્ય શિક્ષણ આપવા માટેની મીટીંગો કરવામાં સહકાર આપવાનો રહેશે.
૮ . આશા ફેસીલીટેટરે સમયાંતરે ગામના સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યો સાથે સંપર્કમાં રહી આરોગ્યની સેવાઓ બાબતે તેમની જાગરૂકતા, તેમના પ્રશ્નો, આશાની કામગીરી સંબંધિત ગામ લોકોના પ્રતિભાવો વગેરેની જાણકારી રાખવાની રહેશે.
૯. આશા ફેસીલીટેટરે આશાને ગામમાં ઉજવાતા મમતા દિવસમાં લાભાર્થી સ્ત્રીઓ અને બાળકોને મમતા દિવસમાં હાજર રાખવામાં તથા જરૂરી આરોગ્યની પાયાની બાબતોની જાણકારી લોકો સુધી મમતા દિવસ દરમ્યાન પહોંચે તે બાબતે કામગીરી કરવાની રહેશે .
૧૦. આશા ફેસીલીટેટરે પોતાના કાર્યક્ષેત્ર હેઠળની આશાને આપવામાં આવેલ દવાની કીટ (ડ્રગ કીટ) માં દવાનો જથ્થો તપાસવાનો રહેશે તથા ૨૫ % થી ઓછો દવાઓનો સ્ટોક બાકી રહે ત્યારે જરૂરી દવાના જથ્થા માટે તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્રને માંગણી મોકલવાની રહેશે. આ ઉપરાંત આશા ફેસીલીટેટરે ફિલ્ડ દરમ્યાન આશાની ડ્રગ કીટ તપાસી દવાઓની ઉત્પાદન તારીખ તથા એક્સપાયરી તારીખ ખાસ જોવાની રહેશે . જો કોઇ એક્સપાયરી તારીખવાળી દવા જોવા મળે તો તેને ડ્રગ કીટમાંથી દુર કરાવવાની રહેશે .
૧૧. આશાની ડ્રગ કીટની રિફિલીંગની જવાબદારી આશા ફેસીલીટેટરની જ રહેશે તથા પ્રા.આ.કેન્દ્ર પરથી જરૂર જણાય ત્યારે ડ્રગ કીટનું રિફિલીંગ કરવાનું રહેશે .
૧૨.આશા ફેસીલીટેટરે આશાની માસિક કામગીરીનો રિપોર્ટ દર માસે આશાની મીટીંગ કરીને મેળવવાનો રહેશે તથા આશા દીઠ તેમની કામગીરીની માહિતિ સાચવવાની રહેશે જેથી દરેક આશાની કામગીરીની પ્રગતિ જોઇ શકાય .
૧૩.આશા ફેસીલીટેટરે આશાઓની કરવાની થતી માસિક મીટીંગમાં દરેક આશાની કામગીરીની સમીક્ષા કરવાની રહેશે . મીટીંગમાં આશાને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરી તે મુશ્કેલીઓ દુર કરવા માટે પ્રા.આ.કેન્દ્ર પર તબીબી અધિકારીશ્રી દ્વારા થતી મીટીંગમાં રજુઆત કરી જરૂરી કામગીરી કરવાની રહેશે. મીટીંગમાં આશાઓને આરોગ્યના કાર્યક્રમોની નવીન માહિતિઓથી સતત માહિતગાર કરવાની રહેશે .તથા આશા આરોગ્યની યોજનાઓની કેવી જાણકારી ધરાવે છે તે બાબતે સતત આશાઓને દરેક મીટીંગમાં તેમની જાણકારી તપાસી તેમને તૈયાર કરવાની રહેશે .
૧૪.આશા ફેસીલીટેટરે પ્રા.આ.કેન્દ્ર પર તબીબી અધિકારીશ્રી દ્વારા થતી માસિક મીટીંગમાં હાજર રહી હેલ્થ વર્કર ( એફ.એચ.ડબલ્યુ. / એમ.પી.એચ.ડબલ્યુ.) ના સંપર્કમાં રહેવાનું રહેશે .
૧૫.આશા ફેસીલીટેટરે આશાને પડતી મુશ્કેલીઓ તરત જ દુર કરવાની રહેશે, જે મુશ્કેલીઓ પોતે દુર કરી શકે તેમ ન હોય તેની રજુઆત ઉપલી કક્ષાએ એટલે કે પહેલાં તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્રને કરવાની રહેશે . આ માટે આશા પાસેથી લેખિતમાં રજુઆત લેવી તથા પોતે પણ ઉપલી કક્ષાએ લેખિતમાં રજુઆત આપવી તે બાબતે ખાસ ધ્યાન રાખવું .
૧૬.આશા ફેસીલીટેટરે પોતાના વિસ્તારમાં ૧૫ દિવસની ફિલ્મ કામગીરી કરવાની રહેશે, આ માટે પોતાને કરવાની થતી ફિલ્ડ વિઝિટના ટુર પ્લાનને તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્ર પાસેથી એડવાન્સમાં મંજુર કરાવવાનો રહેશે . ફિલ્ડ વિઝિટ દરમ્યાન મુલાકાત લીધેલ સરકારી ઓફિસો જેવી કે ગામની પંચાયત ઓફિસ, ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર કે અન્ય આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાં પોતાની ફિલ્ડ વિઝિટ દરમ્યાન મુલાકાતની સહી કરવાની રહેશે . મુલાકાત લીધેલ આશાની આશા ડાયરીમાં પણ નોંધ / સહી કરવાની રહેશે.
૧૭.આશા ફેસીલીટેટરે મહિના દરમ્યાન પોતે કરેલ ફિલ્ડ વિઝિટનો રિપોર્ટ બિનચુક મહિનાની ૩૦મી તારિખના રોજ તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્રને મોકલવાનો રહેશે.આશા ફેસીલીટેટરને પ્રા.આ.કેન્દ્ર પરથી જ પેમેન્ટ મળશે. પેમેન્ટ ટુર રિપોર્ટ મંજુર કરાવેલ હોય તો જ કરવાનું રહેશે .
૧૮.આશા ફેસીલીટેટરે આશાવાઇઝ આશાની કામગીરીનો રિપોર્ટ તથા આશાની કામગીરી માટેના પોતાના ફિલ્ડ વિઝિટના મંતવ્યો પ્રા.આ.કેન્દ્રની માસિક મીટીંગમાં રજુ કરવાનો રહેશે .
૧૯.આશા ફેસીલીટેટરે આશાએ લીધેલ તાલીમના કૌશલ્યની ફિલ્ડ દરમ્યાન અથવા આશા સાથેની મીટીંગમાં સતત ચકાસણી કરવાની રહેશે. આશા ફેસીલીટેટરે બ્લોક નોડલ ઓફિસર્સ સાથે આગામી આશા તાલીમમાં ફિલ્ડ દરમ્યાન પોતાના અનુભવોના આધારે સુધારા-વધારા કરવા માટે પરામર્શ કરવાનું રહેશે .
૨૦.આશા ફેસીલીટેટરે આશાને ઇન્સેન્ટીવ ( પ્રોત્સાહન રકમ ) નિયમિત મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે .
૨૧.દરેક ફિલ્ડ વિઝિટ વખતે આશા ફેસીલીટેટરે મુલાકાત લીધેલ આશાની આશા ડાયરીમાં પણ નોંધ / સહી કરવાની રહેશે, તારીખ અવશ્ય દર્શાવવી.
૨૨.સુપરવિઝન માટે ચેકલીસ્ટની ખાસ જરૂરીયાત હોય છે. આશા ફેસીલીટેટરે ફિલ્ડ વિઝિટ દરમ્યાન આશા સુપરવિઝનના ચેકલીસ્ટ, આશાને પ્રવૃતિવાઇઝ મળતી પ્રોત્સાહનની રકમ (ઇન્સેન્ટીવ પત્રક) તથા આશા પાસેથી મેળવવાની માહિતિના રિપોર્ટીંગ પત્રકની ખાસ સમજણ રાખવી જોઇશે. (પત્રક-૧ તરીકે પાછળ આશા ફેસીલીટેટરનું ફિલ્ડ વિઝિટનું રિપોર્ટીંગ પત્રક જોડેલ છે, તે જોવું).
૨૩.આશા કાર્યક્રમ અંતર્ગત આશાની કાર્યદક્ષતા અને આશા કાર્યક્રમની સફળતા માટે આશા મોનીટરીંગ સિસ્ટમને ખાસ મહત્વ આપવાનું રહેશે . આ માટે મોનીટરીંગના જે ઇન્ડિકેટર ( સુચકાંક ) નક્કી કરવામાં આવ્યા છે,તેની આશા ફેસીલીટેટરે ખાસ સમજ રાખવાની રહેશે તથા પોતાના કાર્યવિસ્તારની આશાઓની કાર્યક્ષમતા વધારવા આ ઇન્ડિકેટર ( સુચકાંક ) બાબતે નિયમિત તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્ર / બ્લોક નોડલ ઓફિસરશ્રી સાથે નિયમિત સંપર્કમાં રહેવાનું રહેશે. (પત્રક – ૨ તરીકે પાછળ આશા મોનીટરીંગ પત્રક જોડેલ છે, તે જોવું ) .
૨૪.આશા ફેસીલીટેટરે પોતાની કામગીરીનો માસિક રિપોર્ટ દર માસે સંલગ્ન તબીબી અધિકારીશ્રી પ્રા.આ.કેન્દ્રને મોકલવાનો રહેશે. ( પત્રક-૩ તરીકે પાછળ માસિક રિપોર્ટીંગ પત્રક જોડેલ છે, તે જોવું ).
૨૫.આશા ફેસીલીટેટરે આશાના મોનીટરીંગ ઇન્ડિકેટરની ઇ મમતામાં એન્ટ્રી કરાવવાની જવાબદારી પોતે નિભાવવાની રહેશે. .
ટિપ્પણી પોસ્ટ કરો