ડેન્ગ્યુ વિશે વારંવાર પુછાતા પ્રશ્નો જાણો .
પ્રશ્ન ૧: ડેન્ગ્યુ શું છે?
જવાબ: ડેન્ગ્યુ એ વાયરસથી ફેલાતો રોગ છે.
પ્રશ્ન ૨: ડેન્ગ્યુ હેમરેજીક ફિવર (ડી એચ એફ ) શું છે?
જવાબ: ડેન્ગ્યુ હેમરેજીક ફિવર એ ડેન્ગ્યુ તાવના ગંભીર પ્રકાર છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ તાવથી પીડાતો દર્દીને રકત સ્ત્રાવ શરુ થાય છે. રકત સ્ત્રાવ થતા ડેન્ગ્યુના દર્દીને ડેન્ગ્યુ હેમરેજીક ફિવર હોઇ શકે છે. શરીરના અંગોમાં રકતસ્ત્રાવ નાક, પેઢા અને ચામડીમાં જોવા મળે છે કેટલીકવાર દર્દીને કોફી જેવા કલરની ઉલટી થાય અથવા કાળો દસ્ત નીકળે છે. આ સુચવે છે, કે રકતસ્ત્રાવ શરીરના પાચનતંત્રના અવયવોમાં ફેલાયો છે. અને આ એક ગંભીર સ્થિતી હોઇ જો સમયસર નિદાન ન થાય અને વ્યવસ્થિત સારવાર ન મળેતો દર્દીનું મૃત્યુ થઇ શકે.
પ્રશ્ન ૩: ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ હેમરેજીક ફિવરનો ફેલાવો કઇ રીતે થાય છે?
જવાબ: ડેન્ગ્યુ ઉત્પન્ન કરતા વિષાણુ ચેપી મચ્છરના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. એડીસ ઇજીપ્તી મચ્છર કે જેને શરીર અને પગ પર સ્પષ્ટ પણે દેખાતા સફેદ ટપકા હોય છે. જેનાથી તે વધુ આસાની થી ઓળખી શકાય છે.કોઇ વ્યક્તિને ડેન્ગ્યુ અથવા ડેન્ગ્યુ હેમરેજીક ફિવર હોય તેને મચ્છર કરડે એટલે મચ્છર ડેન્ગ્યુના વિષાણું થી ચેપી બને છે.એક અઠવાડીયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડીને એના શરીરમાં વિષાણું દાખલ કરી શકે છે.
પ્રશ્ન ૪: ડેન્ગ્યુ થતાં કેટલાં દિવસ લાગે છે?
જવાબ: ડેન્ગ્યુથી ચેપી બનેલ મચ્છરના કરડયા પછી માણસમાં પાંચ થી છ દિવસમાં ડેન્ગ્યુ ના લક્ષણો દેખાય છે. માણસના શરીરમાં વિષાણું દાખલ થયા પછી લીમ્ફ ગ્લાન્ડમાં તેની વૃધ્ધી થાય છે. વિષાણુઓના પુરતા પ્રમાણમાં વૃધ્ધી થયા બાદ રોગના લક્ષણો દેખાય છે.
પ્રશ્ન ૫: શું ડેન્ગ્યુ માણસના માણસ સાથેના સંસર્ગ થી ફેલાય છે?
જવાબ: ના, ડેન્ગ્યુ માણસના માણસ સાથેના સંસર્ગ થવાથી ફેલાતો નથી.
પ્રશ્ન ૬: ડેન્ગ્યુના લક્ષણો કયાં કયાં છે?
જવાબ: - સખત તાવ
- માથાના આગળના ભાગમાં દુખાવો અને કમરમાં દુખવો.
- આંખની પાછળ દુખાવો જે આંખના હલનચલનથી વધે છે.
- સ્નાયુ અને સાંધાનો દુખાવો.
- છાતી અને હાથ પર ઓરી જેવા દાણા.
- ઉબકા-ઉલટી.
- ભુખ ન લાગવી અને બે સ્વાદ કબજીયાત.
પ્રશ્ન ૭: ડેન્ગ્યુ હેમરેજીક ફિવરના લક્ષણો કયાં કયાં છે?
જવાબઃ - ડેન્ગ્યુ હેમરેજીક ફિવરના લક્ષણો નીચે મુજબ છે.
- સખત અને સતત પેટમાં દુખાવો.
- નાક , મો અને ચામડી પરના ચાઠા માંથી સતત રક્તસ્ત્રાવ થવો.
- લોહી સાથે અથવા લોહી વગર અવારનવાર ઉલટી થવી.
- વધુ પડતી બેચેની અને ઊંઘ આવવી .
પ્રશ્ન ૮: ડેન્ગ્યુ થયાં અંગેની શંકા કયારે થઇ શકે?
જવાબ: જયારે કોઇ માણસને અચાનક સખત તાવ આવ્યાનું જાણવા મળે ત્યારે ડેન્ગ્યુ થયો હોવાનું અનુમાન કરી શકાય. તાવ લગભગ ૧૦૩ થી ૧૦૫ ડિગ્રીF ( ૩૯ થી ૪૦ ડીગ્રીc ) હોય છે. ડેન્ગ્યુ તાવને બીજા તાવથી અલગ પાડતાં લક્ષણો જેવા કે આંખના ડોળા પાછળ દુખાવો, સ્નાયુઓમાં સખત દુખાવો, સાંધાઓમાં સખત દુખાવો, તથા ચામડી પર ચાઠા પડવા વગેરે હોય છે. સખત સાંધાના દુખાવાને કારણે ડેન્ગ્યુના તાવને હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ઉબકા અને ઉલટી પણ જોવા મળે છે. તાવ પાંચ થી સાત દિવસ રહે છે. કેટલાક દર્દીઓમાં તાવ ત્રણ થી ચાર દિવસમાં ઉતરી જાય છે. પરતું ફરી પાછો દેખા દે છે.
પ્રશ્ન ૯: તમને એકવાર ડેન્ગ્યુના ચેપ લાગ્યા પછી ફરીથી ચેપ લાગવાની શકયતા ખરી?
જવાબ: ડેન્ગ્યુ એકથી વધુ વખત થવાની સંભાવના છે. કેમકે ડેન્ગ્યુનો ચેપ ડેન્ગ્યુ વાયરસના જુદા જુદા ચાર પ્રકારથી થાય છે. એક વ્યક્તિને ડેન્ગ્યુ વાયરસના એક પ્રકારથી ચેપ લાગુ પડે તો પણ ફરીથી તેને બીજા પ્રકારના વાયરસથી ચેપ લાગવાની સંભાવના છે. જેથી એક પ્રકારના વાયરસથી ચેપ લાગવાથી બીજા પ્રકારના વાયરસ સામે રક્ષણ આપી શકતા નથી એક વ્યક્તિને એના જીવન કાળ દરમ્યાન એકથી વધુ વખત ડેન્ગ્યુનો ચેપ લાગવાનો સંભવ છે.
પ્રશ્ન ૧૦: માણસ ડેન્ગ્યુથી પીડાતો હોય પણ બીમાર ન હોય એવું બની શકે?
જવાબ: હા ઘણા બધા લોકો ડેન્ગ્યુના વાયરસથી ચેપ ગ્રસ્ત હોય છે, પરંતુ તેમનામાં ડેન્ગ્યુના ચિહ્નો અને લક્ષણો જોવા મળતા નથી.
પ્રશ્ન ૧૧: શું ડેન્ગ્યુનું ચોક્ક્સ નિદાન શક્ય છે?
જવાબ: હાલમાં લેબોરેટરી દ્વારા ડેન્ગ્યુ તાવના પ્રત્યક્ષ અને પરોક્ષ પુરાવાઓ આપવામાં આવે છે. જેનાથી ચોકસ નિદાન શક્ય છે. આ ઉપરાંત ઘણા એવા ટેસ્ટ છે જે ડેન્ગ્યુનો કયા પ્રકારનો ચેપ છે તે જાણવમાં મદદરૂપ થાય છે. વિશ્વાસ પાત્ર લેબોરેટરીમાં થયેલા ડેન્ગ્યુના પરિક્ષણને આધારભુત ગણવું. આ અંગે ભારત સરકારે બહાર પાડેલી માર્ગ દર્શીકા ધ્યાને લેવી)
પ્રશ્ન ૧૨: ડેન્ગ્યુની સારવાર શું છે?
જવાબ: ડેન્ગ્યુ/(ડી.એચ.એફ) ની સારવાર માટે કોઇ દવા અથવા રસી ઉપલબ્ધ નથી જે વ્યકિત ડેન્ગ્યુથી પીડાતો હોય તેણે પેરાસીટમોલ ધરાવતી દર્દ શામક દવાઓ લેવી જોઇએ પરંતુ એસ્પીરીન ધરાવતી દવા લેવાનું ટાળવું જોઇએ. દર્દીઓએ આરામ કરવો જોઇએ, ખુબ પ્રવાહી લેવું જોઇએ અને તુરંત ડોકટરની સલાહ મુજબ સારવાર લેવી જોઇએ.
પ્રશ્ન ૧૩: શુ ડેન્ગ્યુની સારવાર ઘરે થઇ શકે છે?
જવાબ: ડોકટરની સલાહ લીધા બાદ મોટા ભાગના ડેન્ગ્યુના દર્દીઓ ઘરે સારવાર લઇ શકે છે. દદીએ આરામ,અતીશય પ્રમાણમાં પ્રવાહી ( પાણી,સૂપ,દુધ,જ્યુશ વગેરે) અને સામાન્ય ખોરાક લેવો જો શક્ય હોયતો ઓ.આર.એસ. લેવું પુરતા પ્રમાણમાં પ્રવાહિ લેવું ખુબજ અગત્યનું છે, કારણ કે જો ડેન્ગ્યુ ફિવર ડી.એચ.એફ અથવા ડિ.એસ.એસ.માં ફેરવાય તો શરીરમાંનું પ્રવાહિ અને લોહિની ઉણપ સામાન્ય રીતે જોવા મળે છે. આ પ્રકારના ગંભીર લક્ષણો માટે સતત સતર્ક રહેવું અને જો આમાનું કોઇ એક લક્ષણ કે એકથી વધુ લક્ષણો જોવા મળે તો ડૉકટરનો તુરત સંપર્ક કરવો.
પ્રશ્ન ૧૪ : શું ડેન્ગ્યુનો તાવ જોખમી નિવડી શકે છે?
જવાબ : ડેન્ગ્યુનો ચેપ જોખમી બની શકે છે. કારણકે તે લોહીની નળીઓને નુકસાન પહોચાડે છે. રકત નલિકાઓને થતું નુકસાન રકત નલિકાઓની દિવાલોને નરમપાડીને અન્ય પ્રદાર્થને આવન જાવન માટે સરળ કરે છે. જેથી રકતનું પ્રવાહી પ્લાઝમા શરીરના અન્ય અવયવોમાં પ્રવેશે છે. તે ઉપરાંત સંપુર્ણ પણે તુટેલી રકત નલીકાઓ રકતસ્ત્રાવનું કારણ બને છે.ડિ.એચ.એફ અને ડિ.એસ.એસના લક્ષણો અને ચિહ્નો રકત નલિકઓને નુકશાન કર્તા તથા લોહિના ગંઠાવવાની પ્રક્રિયમાં ઉપયોગમાં આવતા ઘટકોને નુકસાન કરી લોહિનાં ગંઠાવવાની પ્રકિયાને ખોરવે છે.
પ્રશ્ન ૧૫: શું ડેન્ગ્યુના તાવમાં માણસનું મૃત્યુ થઇ શકે છે?
જવાબ: ડેન્ગ્યુ થી પીડાતા દર્દીને મૃત્યુનું જોખમ ઓછું હોય છે.પરંતુ ડેન્ગ્યુ પીડીત દર્દીઓમાંથી કેટલાકને ડિ.એચ.એફ અથવા ડિ.એસ.એસ. થવાની શક્યતા હોઇ તેના કારણે મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો યોગ્ય સારવાર આપવામાં આવે તો ડિ.એચ.એફ. અથવા ડિ.એસ.એસ. દર્દીઓ પણ સંપૂર્ણ સાજા થઇ શકે છે. સમયસર સારવાર આપવાથી શક્ય તેટલી જીંદગીઓ બચાવી શકાય છે.
પ્રશ્ન ૧૬: ડેન્ગ્યુ પીડીત દર્દીએ ક્યારે હોસ્પીટલમાં દાખલ થવું જોઇએ અને ડૉકટરની સલાહ લેવી જોઇએ?
જવાબ: ડેન્ગ્યુનો તાવ સામાન્ય રીતે ૩ થી ૫ દિવસમાં ડિ.એચ.એફ. અથવા ડિ.એસ.એસ.માં ફેરવાય છે. આ સમય દરમ્યાન ઘણી વખત તાવ ઓછો થઇ જાય છે. જેને લીધે લોકો એવું માનવા પ્રેરાય છે કે દર્દી સાજો થઇ ગયો છે. વાસ્તવમાં આ સમય સૌથી વધારે ખતરનાક છે. અને દર્દીની દેખરેખ રાખનાર વ્યક્તિએ સૌથી વધારે કાળજી રાખવી જોઇએ રોગના ચિહનો અને લક્ષણો ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવા છે તે પેટમાં સખત દુખાવો,સતત ઉલટી થવી, ગમે ત્યાં રકતસ્ત્રાવ થવો વગેરે છે. ચામડી પર લાલ અથવા જાંબલી ચાઠા જોવા મળે નાકમાં થી લોહિ પડવું, પેઢામાંથી લોહિ નીકળવું તથા કાળા કોલસા જેવું દસ્ત જોવા મળવું વગેરે રોગની ગંભીરતા દર્શાવે છે. પહેલા બે ચિહનો જેવા કે પેટમાં સખત દુખાવો અને સતત ઉલટી થવી વગેરે દેખાય તો દર્દીને તરત હોસ્પિટલમાં દાખલ કરવો ઘણી વખત રકતસ્ત્રાવ થવાની રાહજોવી તે ખુબ મોડુ અને અજુકતુ પરિણામ લાવે છે.
સૌથી વધારે ખતરનાક ડેન્ગ્યુ તે ડિ.એસ.એસ. છે. તેના ચિહનોમાં ખુબ તરસ લાગવી શુષ્ક અને ઠંડી ચાંમડી (ખુબજ ઓછા લોહિના દબાણને લીધે) ઉગ્ર માત્રામાં ચંચળતા અને નબળાઇનો અહેસાસ થવો વગેરે છે.
પ્રશ્ન ૧૭: શું ડેન્ગ્યુના તાવની અટકાયત માટે રસી છે?
જવાબ: ડેન્ગ્યુના તાવની અટકાયત માટે રસી બનાવવામાં આવી છે. પણ હજુ તે પ્રયોગાત્મક ધોરણે છે. અને હાલના તબક્કે બજારમાં ઉપલબ્ધ નથી. આવનારા વર્ષોમાં રસીકરણની પધ્ધતીમાં થતા વૈજ્ઞાનીક પ્રગતીને કારણે ડેન્ગ્યુ રોગની અટકાયત રસી દ્વારા શક્ય બનશે.
પ્રશ્ન ૧૮: ડેન્ગ્યુના તાવથી કોઇ લંબાગાળની ગંભીર અસરો જોવા મળે છે?
જવાબ: મોટા ભાગના લોકો ડેન્ગ્યુના તાવ માંથી એક થી બે અઠવાડીયામાં સાજા થઇ જાય છે. અને લાબાં ગાળાની કોઇ અસર જોવા મળતી નથી. કેટલાક લોકો કેટલા અઠવાડીયા સુધી બેચેની અનુભવે છે. તેમ છતાં આ સમય બાદ પણ જો રોગના ચિહ્નો જોવા મળે તો ડૉકટરની સલાહ લેવી.
પ્રશ્ન ૧૯: ડેન્ગ્યુ રોગના ફેલાવા અંગેના ચક્ર શું છે?
જવાબ: માણસ. ->. મચ્છર. ->. માણસ
પ્રશ્ન ૨૦: એડીસ ઇજીપ્તી મચ્છર કેવો લાગે છે?
જવાબ: તે નાનો છે. કાળા કલરનો સફેદ ટપકાવળો અને ૫ મી.મી. કદનો છે. તેના વાયરસ દાખલ થયાબાદ તેને વિકાસ પામતા સાત થી આઠ દિવસ થાય છે. ત્યાર બાદ તે રોગનો ફેલાવો કરવા સક્ષમ બને છે.
એડીસ ઇજીપ્તી મચ્છર.
● કાળા અને સુંદર મચ્છર કે જેનાં શરીર પર સફેદ ટપકાં જોવા મળે
● ચોખ્ખા પાણીનાં પાત્રોમાં ઉત્પન્ન થાય છે.
● દિવસ દરમિયાન કરડે છે.
● કરડવાનું વધુ પીડાદાયક હોય છે.
● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર ચોંટેલા હોય છે . જે ગંદકી જેવા દેખાય છે .
● એડિસ ના ઈંડા કન્ટેનર ની દીવાલ પર પાણી વિના 8 મહિના સુધી પણ જીવી શકે છે .
● સંક્રમિત માદા એડિસ ના ઈંડા પણ સંક્રમિત હોય છે .
● એડિસ ના પોરા પાણી માં સેન્સિટિવ વધુ હોય છે . એ પાણી ની સહેજ પણ હલન ચલણ કરતા અથવા પાણી માં ટોર્ચ કરતા તુરંત સર્પાકારે નીચે જતા રહે છે .
● વાયરસથી થતાં રોગો ફેલાવે છે. (ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા યલો ફીવર )
પ્રશ્ન ૨૧: એડીસ ઇજીપ્તી મચ્છર કયાં અને કયારે કરડે છે?
જવાબ: એડીસ ઇજીપ્તી મચ્છર એ દિવસે કરડે છે, અવારનવાર કરડે છે. અને ઘરોમાં અને ઘરની અંદર અને બહાર કરડે છે.
પ્રશ્ન ૨૨: એડીસ ઇજીપ્તી મચ્છરની ઉત્પતિ કયાં થાય છે?
જવાબ: એડીસ ઇજીપ્તી મચ્છર માનવ સર્જીત તમામ પ્રકરના પાણીના સંગ્રહ માટેના સાધનો કે જેમાં સાવ થોડા પ્રમાણમાં પણ પાણી રહી શકતું હોય તેવા સગ્રહ સ્થાનોમાં ઉત્પન થાય છે. અ ઉત્પતી સ્થાનોમાં કુલર, પીપડા, બરણી, કુંડા, ફુલદાની, રકાબી, ટાંકાઓ, નાના ખાબોચીયા, તુટેલી બોટલો, ટાયર, છાપરાની નાળીઓ, ફ્રીઝની ટ્રે, સીમેન્ટના ઘચીયાઓ,વાસના ઠુઠાઓ, સ્મશાન ગૃહની કુડીઓ, નારીયેળની કાચલી, ઝાડની બખોલ અને અન્ય સ્થાનો કે જયાં વરસાદી પાણી ભરાઇ રહેતું હોય અથવા સંગ્રહ થતો હોય.
ટાયર પ્લાસ્ટિક ના ગ્લાસ / વાટકા .
નારીયેળની કાચલી
માટીના વાસણો
વોટરકુલર
ધાબા ઉપરની ટાંકીઓ
એડીસ ઇજીપ્તી મચ્છર ઘરની અંદર આરામ કરે છે. બંધીયાર અને અંધારી જગ્યાઓ વધુ પસંદ કરે છે. બહાર ઠંડી અને શેડ વાળી જગ્યાએ આરામ કરે છે. માદા મચ્છર ઘરમાં રહેતા પાણીના સાઘનોમાં અને અન્ય જગ્યાએ ઇંડાં મુકે છે. આ ઇંડામાંથી લારવા અને પછી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે.
પ્રશ્ન-૨૩: શું એડીસ ઇજીપ્તી મચ્છરની ઉત્પતી ગંદા પાણી, કચરાના ઠગલા અને ગટર(નાલી)માં થાય છે?
જવાબ: ના, ડેન્ગ્યુના વાહક મચ્છર એડીસ ઇજીપ્તની ઉત્પતી ગંદા પાણી, કચરાના ઠગલા અને ગટર(નાલી)માં થતી નથી. આ મચ્છરની ઉત્પતી ચોખ્ખા પાણીમાં કોઈપણ પ્રકારના માનવસર્જિત જે સાધનો અથવા આજુબાજુમાં આવેલ પાણી સંગ્રહના પાત્રોમાં જોવા મળે છે .
પ્રશ્ન ૨૪: ડેન્ગ્યુ એક પર્યાવરણીય પ્રશ્ન/ સમસ્યા છે?
જવાબ: હા ડેન્ગ્યુ એક પર્યાવરણીય પ્રશ્ન સમસ્યા છે. વસ્તીમાં થતો વધારો ખાસ કરીને શહેરી વિસ્તારમાં પાણી પુરવઠા તેમજ સ્વચ્છતા જાળવવા માટેની અપુરતી સુવિધાઓના કારણે મચ્છર ઉત્પતી સ્થાનોમાં વધારો થાય છે. અને તેના કારણે રોગનો ફેલાવો પણ સક્રિય રીતે વધારે થાય છે.
પ્રશ્ન ૨૫: એડીસ ઇજીપ્તી મચ્છરનું જીવન ચક્ર શું છે?
જવાબ:. ઇંડા – પોરા-કોસેટો-પુખ્ત મચ્છર (૭ થી ૧૦ દિવસોનો સમયગાળો લે છે.)
એડીસ ઇજીપ્તી મચ્છરનું જીવન ચક્ર
પ્રશ્ન ૨૬: ડેન્ગ્યુ થી કેવી રીતે બચી શકાય?
જવાબ: ડેન્ગ્યુથી બચવાનો ઉત્તમ રસ્તો એ છે કે જ્યાં એડીસ ઇજીપ્તાઇ મચ્છર ઇંડા મુકે છે, તેવા સ્થાનો નો નિકાલ કરવો.
પ્રશ્ન ૨૭: ડેન્ગ્યુ રોગના અટકાયત માટેના જુદા-જુદા પગલાંઓ કયાં કયાં છે?
જવાબ: રોગ અટકાયત પગલાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.
(૧) પોરાનાશક
જે કઇ પાણીના પાત્રો કે જે પાણી સંગ્રહવા માટે અથવા વરસાદી પાણી એકત્ર કરવા માટે ઉપયોગમાં લેતા હોય તે હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા.
વોટરકુલર,ફુલદાની, પક્ષીકુંજ, ઢોરો માટેના હવાડાઓ વગેરે અઠવાડીયામાં એક વખત ખાલી કરી સુકવી સાફ કર્યા બાદ પુનઃ પાણી ભરવાનું રહેશે આમ કરવાથી એડીસ મચ્છરોના ઇંડા અને પોરાનો નાશ કરી મચ્છરની ઉત્પતી અટકાવી શકાય.
(૨) પુખ્ત મચ્છર વિરોધી પગલાઓ.
જંતુનાશક દવાનો છંટકાવ/સ્પેશ સ્પ્રે ( IRS )
ફોગીંગ
દિવસ દરમ્યાન નાના બાળકો દ્રારા મચ્છરદાનીનો ઉપયોગ કરી શકાય તેજ રીતે ડેન્ગ્યુના દર્દીઓએ પણ મચ્છરદાની માં સુવુ હિતાવહ છે.
(૩)સ્વકાળજીના/અંગત સુરક્ષાના પગલાઓ.
મચ્છર વિરોધી ક્રીમ,અગરબત્તી વગેરેનો ઉપયોગ અને આખી બાય ના કપડાઓ કે જે સંપૂર્ણ શરીર ઢંકાય તે રીતનો પહેરવેશ.
પ્રશ્ન ૨૮: ડેન્ગ્યુ અટકાયત માટે મહત્વના સંદેશા કયા છે?
જવાબ: એડીસ ઇજીપ્તી મચ્છર ઘરમાં સંગ્રહિત ચોખ્ખા પાણીમાં ઉત્પન થાય છે. થોડા નાના પગલાઓ લઇ મચ્છરની ઉત્પતી અટકાવો અને પોતાની જાતને મચ્છરના કરડવાથી બચાવો.
● ઘરમાં રહેલ પાણીની ટાંકીઓ અને પાત્રોને હવા ચુસ્ત રીતે ઢાંકો.
● અઠવાડીયામાં એકવાર વોટર કૂલરને ખાલી કરી સુકવી ને પાણી ભરો.
● નકામા પાત્રો,સામાન, ટાયર, નારીયેળ ની કાચલી વગેરેનો નાશ કરો.
● શરીરના બધા અંગો ઢંકાય તેવા કપડા પહેરો. મચ્છરદાનીનો ઉપયોગ કરો શક્ય હોયતો જંતુનાશક દવાયુકત કરેલ મચ્છરદાની અને મચ્છર વિરોધી ક્રિમનો ઉપયોગ કરો.
પ્રશ્ન ૨૯: શું તમે જાણો છો. ભારતમાં કેટલા લોકો ડેન્ગ્યુના જોખમ તળે જીવે છે?
જવાબ: દેશના ૧૮ રાજ્યોમાં ( આંધ્રપ્રદેશ,બિહાર, ચંદિગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરીયાણા, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ્ર, સિક્કીમ, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્રીમબંગાળ, પાંડુચેરી, દાદરા અને નગર હવેલી) ડેન્ગ્યુનો વધુ ઉપદૃવ જોવા મળે છે. અંદાજે દેશના ૪૫૦ લાખ જેટલા લોકો ડેન્ગ્યુનું જોખમ તળે જીવે છે.
પ્રશ્ન: ૩૦. શાળાના બાળકો કેવી રીતે મદદરુપ થઇ શકે ?
જવાબ: ડેન્ગ્યુના વાહક મચ્છર એડીસ ઇજીપ્તાઇ ઘર અને ઘરની આજુ બાજુમાં ઉપ્લબ્ધ નાના પાત્રોમાં ઉત્પન થાય છે. જેથી શાળાના બાળકો તથા તેમના કુટુંબોના યોગદાન ખુબજ અગત્યના છે, ઘરની આજુ બાજુ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી ઉત્પતી અટકાવવા માટેના યોગ્ય પગલાઓ નો અમલ કરવો. આપના મિત્રો, સગા સબંધીઓ અને પડોસીઓ ને ડેન્ગ્યુ નિયંત્રણ અને અટકાયત માટેના નિચે દર્શાવ્યા મુજબના પગલાઓ વિષે જાણકારી આપો.
◆પાણીની ટાંકીઓ અને પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકો
◆ અઠવાડીયામાં એક્વાર વૉટર કુલરને ખાલી કરી સુકવીને પછી ભરો.
◆ બધાજ બિન ઉપયોગી પાત્રો,ટાયર, નારીયેળની કાચલી, અને અન્ય બિન ઉપયોગી વસ્તુઓનો યોગ્ય નીકાલ/નાશ કરવો.
શરીરના બધા અંગો ઢંકાય તેવા આખી બાય ના કપડા પહેરો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો શક્ય હોયતો જંતુનશક દવાયુક્ત કરેલ મચ્છરદાની તથા મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો